ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા “રોડ કટર્સી કેમ્પેઈન-૨૦૧૮” અંતર્ગત અંકલેશ્વરમાં વાહનચાલકોને ટ્રાફિક અંગેના નિયમોનું પાલન કરવા હેતુસર વિશેષ કાર્યક્રમ યોજાયો.*આજરોજ અંકલેશ્વર શહેર ખાતે વાહનચાલકો માટે ભરૂચ જિલ્લા પોલીસ તથા ભરૂચ જિલ્લા ટ્રાફિક પોલીસના સંયુક્ત ઉપક્રમે તા. ૧/૧૦/૧૮થી ૩૧/૧૦/૧૮ દરમિયાન “રોડ કટર્સી કેમ્પેઈન-૨૦૧૮” અંતર્ગત વિશેષ કાર્યક્રમ યોજાયો. ટ્રાફિક અંગેના નિયમોનું ચોકસાઈ પૂર્વક પાલન કરવા હેતુસર રસ્તા ઉપર વાહન ચલાવતા સમયે ક્યાં ક્યાં પ્રકારની સાવચેતી દાખવવી પડે તે નિયમો સહિતની પત્રિકાઓ લોકોને વહેંચવામાં આવી હતી.
આ પત્રિકામાં વાહન ચલાવવાની જગ્યા, સન્માન, ધીરજ, દીર્ઘ દ્રષ્ટિ અને ગંભીરતા જેવા વિષયોને આવરી લઈ જરૂરી માર્ગદર્શન મળી રહે તેવા નિયમો દર્શવાવામાં આવ્યા છે. સલામતીના નિયમો થકી રસ્તા ઉપર વાહન ચલાવતા સમયે વાહન ચાલકોને કોઈ નુકશાન કે જાનહાનીનો ભય ના રહે તે માટે જરૂરી સલાહ સૂચનો પણ કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે ભરૂચ જિલ્લા ટ્રાફિક પોલીસ તેમજ ભરૂચ ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રાફિક જવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી વાહનચાલકોને ટ્રાફિક સલામતી માટે સાથ સહકાર આપવા ખાસ અપીલ કરી હતી.