દિનેશભાઇ અડવાણી
સુરતના સરથાણાના અગ્નિ તાંડવની દુર્ઘટના બાદ ભરૂચના ટ્યુશન ક્લાસીસ સંચાલકોને ફાયર એન.ઓ.સી મેળવી લેવા કરાયેલ તાકીદ બાદ આ માટે પુનઃ ભરૂચના ટ્યુશન ક્લાસીસ સંચાલકોએ પાલિકા પ્રમુખની મુલાકાત લઈ મંજૂરી માટેની માંગણી કરી હતી.
સરથાણાના ટ્યુશન ક્લાસીસની દુર્ઘટના બાદ ભરૂચ સહિત સમગ્ર રાજ્યમાં વહીવટી તંત્ર દ્વારા આ અંગે તપાસ હાથ ધરી ફાયર સુવિધા ઉપલબ્ધ કરાવ્યા વિના ક્લાસીસ ચાલુ ન કરવા તાકીદ કરવામાં આવી હતી.પાલિકા દ્વારા ૪૦ થી વધુ ટ્યુશન ક્લાસીસ સંચાલકોને આપવામાં આવેલ નોટિસ બાદ ટ્યુશન ક્લાસીસ સંચાલકોએ જરૂરી ફાયર સુવિધા ઉભી કરવા સાથે આવવા જવાના રસ્તા વગેરેની સરકારની ગાઇડ લાઇન્સ પ્રમાણે વ્યવસ્થા કરી પાલિકા પ્રમુખની મુલાકાત લઈ તેઓને ફાયર એન.ઓ.સી આપવા રજૂઆત કરી હતી.જેથી ટ્યુશન ક્લાસીસ ચાલુ થતા વિદ્યાર્થીઓનો અભ્યાસ શરૂ થઈ શકે.તેઓએ પાલિકાતંત્રના આ સકારાત્મક અભિગમની સરાહના કરી હતી.
ભરૂચ નગર પાલિકા પ્રમુખે ટ્યુશન ક્લાસીસ સંચાલકોની રજૂઆત સાંભળી પાલિકાની ટીમ સ્થળ નિરીક્ષણ કરી સરકારી ગાઈડ લાઈન્સ મુજબની સુવિધા પૂર્ણ થતી હશે તે તમામ ટ્યુશન ક્લાસીસ સંચાલકોને મંજૂરી આપી દેવામાં આવશે તેમ જણાવ્યું હતું.