દિનેશભાઇ અડવાણી
ભરૂચ લોકસભા બેઠક ઉપર ખેલાયેલા ત્રિપાંખિયા જંગમા આજરોજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ભરૂચની કે.જે.પોલિટેકનિક કોલેજ ખાતે મતગણતરી હાથ ધરાતાં ભરૂચ બેઠક ઉપર સતત આઠમી વખત ભાજપનો ભગવો લહેરાયો છે અને સતત છઠ્ઠી વખત મનસુખભાઈ આ બેઠક પર પોતાનો દબદબો રાખી ત્રણ લાખ ઉપરાંત મતોની લીડથી તેમના હરીફ ઉમેદવાર કોંગ્રેસના શેરખાન પઠાણને ધરાસાઈ કરી વિજેતા થયા છે.જ્યારે બી.ટી.પી ના છોટુભાઇ વસાવા આ બેઠક ઉપર પુનઃ એક વખત કાગના વાઘ પુરવાર થયા છે.મનસુખભાઈના વિજયને ભાજપના આગેવાનો,કાર્યકરો અને સમર્થકોએ વધાવી લઇ અભિનંદન આપી મીઠાઈ વહેંચી હારાતોરા કરી વિજયનો જયઘોષ કર્યો હતો.કે.જે.પોલીટેકનિક ખાતેથી મનસુખભાઈએ વિજય સરઘસ કાઢ્યું હતું જેમાં જયનાદ જગાવી ડી.જેના તાલ સાથે કાર્યકરો મન મૂકીને નાચ્યા હતા.વિજય સરઘસ કસક ભાજપના મુખ્ય કાર્યાલય ખાતે પહોંચતા ત્યાં જનમેદની સામે મનસુખભાઈએ મતદારોનો આભાર વ્યક્ત કરી સતત છઠ્ઠી વખત તેમનામાં મૂકેલા વિશ્વાસને એણે નહીં જવા દઉં તેમ કહ્યું હતું.સાથે હવે નર્મદા નદીને બે કાંઠે કરવાનો હુંકાર પણ કર્યો હતો.
લોકસભા 2019 ભરૂચ બેઠક પર યોજાયેલી ચૂંટણીમાં કુલ સાત વિધાનસભા બેઠકો ઉપર ૨૩ એપ્રિલના રોજ યોજાયેલ ચૂંટણીમાં કુલ 15,64,205 મતદારો માંથી 11,45,356 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો અને પોસ્ટલ બેલેટથી ૪૯૧૯ મળી કુલ 73.22 ટકા મતદાન નોંધાયું હતું.જેની ૨૩મી મેં ના રોજ ભરૂચ ની કે.જે.પોલીટેકનીક કોલેજ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરી હાથ ધરાઇ હતી.સાત વિધાનસભા બેઠકના 102 ટેબલ ઉપર અલગ-અલગ વિધાનસભા બેઠકો પ્રમાણે 18 થી ૨૩ રાઉન્ડમાં મતગણતરી હાથ ધરાઇ હતી.મતગણતરીના પહેલા રાઉન્ડમાં જ ભારતીય જનતા પાર્ટીના મનસુખભાઇને 30212 મત મળ્યા હતા.જ્યારે કોંગ્રેસના શેરખાનને 18911 અને બી.ટી.પી ના છોટુભાઈ વસાવાને ૪૭૩૩ મત મળ્યા હતા.આમ 11,301 મતોની લીડથી આગળ રહ્યા હતા.બીજા રાઉન્ડમાં ગણતરીઓમાં ભૂલ આવતા મતગણતરી અટવાઈ હતી.જોકે બીજા રાઉન્ડ થી સતત મનસુખભાઈની લીડ રોકેટ ગતિએ આગળ વધી હતી.50 ટકા મતોની ગણતરી દરમિયાન જ 1.75 લાખની આસપાસની લીડથી મનસુખભાઈએ પોતાનો દબદબો જાળવી રાખ્યો હતો.જે જોતા કોંગ્રેસના શેરખાન પઠાણે પોતાની હાર સ્વીકારી લીધી હોય તેમ મેદાન છોડી દીધી હતું.જ્યારે પોતાની હાર નિશ્ચિત હોવાનું લાગતા બી.ટી.પી ના છોટુભાઈ વસાવા મતગણતરી કેન્દ્ર ઉપર સવારથી જ દેખાયા ન હતા.બીજી બાજુ મનસુખભાઈની લીડના આધારે તેમની જીત પાક્કી થઇ જતા ભારતીય જનતા પાર્ટીના આગેવાનોમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર, જિલ્લા પ્રમુખ યોગેશભાઈ પટેલ, ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ, વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા,જીલ્લા મહામંત્રી ધર્મેશ ભટ્ટ અને ધર્મેશ મિસ્ત્રી,બક્ષીપંચ મોરચાના પ્રદેશ મહામંત્રી રમેશભાઈ મિસ્ત્રી સહિતના આગેવાનો અને કાર્યકરોએ કે.જે.પોલીટેકનિક કોલેજના કેમ્પસમાં જ મનસુખભાઈ ને હારાતોરા કરી મીઠાઇ ખવડાવી અભિનંદન આપી જયઘોષ કર્યા હતા.
છેલ્લા પાંચ વાગ્યા સુધીમાં જાહેર થયેલા આંકડાઓ મુજબ મનસુખભાઈ વસાવા ને 3,30,૪૯૪ મતોની સરસાઈ મેળવી હતી.મનસુખભાઈને 6,33,069 મત મળ્યા હતા જ્યારે તેમના હરીફ એવા કોંગ્રેસના શેરખાન પઠાનને 3,02,307 મત મળ્યા હતા જ્યારે બી.ટી.પીના છોટુભાઇ વસાવાને 1,42,705 મત મળ્યા હતા.તેમજ નોટાના 6225 મત નોંધાયા હતા.આ મનસુખભાઈ વસાવાને કુલ 3,30,૭૬૨ ની સરસાઇ મળી હતી.મનસુખભાઇ વસાવાને કુલ મતદાનના ૫૫.૪૪ ટકા મત મળ્યા છે જ્યારે કોંગ્રેસના શેરખાન પઠાણને ૨૬.૪૭ ટકા અને બી.ટી.પી ના છોટુભાઈ વસાવાને ૧૨.૫ ટકા મત મળ્યા છે.
મનસુખભાઈનો જ્વલંત વિજય થતા ભાજપ છાવણીમાં ખુશીની લહેર ઉઠી હતી.ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકરોએ મીઠાઈ વહેંચી ફટાકડા ફોડી વિજયોત્સવ મનાવ્યો હતો.કે.જે.પોલિટેકનિક કોલેજ ખાતેથી મનસુખભાઈનું વિજય સરઘસ કાઢ્યું હતું.જેમાં જયઘોષ ડી.જે ના નાદ વચ્ચે નૃત્ય સાથે વિજય સરઘસ કસક ખાતે આવેલા જિલ્લા કાર્યાલય ખાતે પહોંચ્યું હતું જ્યાં સતત છઠ્ઠી વખત જંગી બહુમતીથી વિજેતા થયેલા મનસુખભાઈ વસાવાએ મતદારોનો આભાર વ્યક્ત કર્યો હતો.
લીડ 2014 કરતાં બે ગણી…
2014માં ભાજપના મનસુખભાઈની સામે ખેડૂત અગ્રણી જયેશ પટેલને મેદાનમાં ઉતાર્યા હતા.જેમાં મનસુખભાઈને 5,48,902 મત મળ્યા હતા.જયારે જયેશ પટેલને ૩૯૫૬૨૯ મત મળ્યા હતા.જેમાં 1,53,273 મતોની સરસાઇથી મનસુખભાઈ વિજેતા થયા હતા.આ વખતે મનસુખભાઈ બેવડી લીડ મેળવી કોંગ્રેસને ધરાશાયી કરી છે.સાંજ સુધીમાં મળેલા આંકડા મુજબ મનસુખભાઈને 6,33,069 મત મળ્યા હતા.