દિનેશભાઇ અડવાણી
ગુજરાતમાં હાલ પાણીની ગંભીર સમસ્યા ઉદભવી રહી છે ત્યારે જુના ભરૂચમાં પુષ્પાબાગ, શેઠ ફળીયા, પાઠક ફળીયા , સાકડીશેરી જેવા વિસ્તારોમાં વર્ષો જુના મકાનોમાં બનેલા ભૂગર્ભ ટાંકા આશીર્વાદરૂપ બની રહ્યા છે.
ગરમીનો પ્રભાવ દિવસે-દિવસે વધી રહ્યો છે.બીજી તરફ માં નર્મદા પણ સુકાઈ રહી છે.ગુજરાત હોય કે મહારાષ્ટ્ર પાણીની સમસ્યા દિવસે ને દિવસે ગંભીર સ્વરૂપ પકડી રહી છે. વર્ષો પહેલાના જુના મકાનોમાં વરસાદી પાણીના સંગ્રહ માટે ભૂગર્ભ ટાંકા બનાવવામાં આવતા હતા અને તે પાણીનો ઉપયોગ ગરમીમાં થતો હતો. જેથી પાણીની અછત હોય તો પણ પાણી મળી રહેતું હતું. તેમાં પણ મઘા નક્ષત્રમાં ભરેલું વરસાદી પાણી લોકો ખાસ ભૂગર્ભ ટાંકામાં એકત્ર કરતા હોય છે. હાલ તો મકાનોમાં ભૂગર્ભ ટાંકા જ ગાયબ થઈ ગયા છે.હાલની પાણીની સમસ્યાને જોતા નવા બનતા મકાનોમાં ભૂગર્ભ ટાંકા સરકારે ફરજીયાત કરવા જોઈએ જેથી વરસાદી પાણીનો સંગ્રહ કરી પાણીની સમસ્યા નિવારી શકાય.હાલ તો જુના ભરૂચમાં અમુક જુના મકાનોમાં હજુ પણ ભૂગર્ભ ટાંકાઓ લોકોએ સાચવી રાખ્યા છે.સરકાર જો આ મુદ્દે ધ્યાન આપે તો પાણીની સમસ્યા મહદઅંશે નિવારી શકાય છે.