દિનેશભાઇ અડવાણી
ભરૂચમાં ખ્રિસ્તી મિશનરીની શાળાઓ તેમના આપખુદશાહી વહીવટના કારણે અવાર-નવાર વિવાદના વમળોમાં ઘેરાયેલી રહે છે.વડદલા ખાતે આવેલ ક્વીન ઓફ એન્જલ સ્કૂલએ સરકારના RTE નિયમ હેઠળ વિદ્યાર્થીઓને પ્રવેશ ના આપતા વિવાદ છેડાયો છે.વાલીઓએ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને ફરિયાદ કરવા છતાં શાળા સંચાલકો મચક ના આપતા હોવાના અહેવાલ મળી રહ્યા છે.
વિદ્યાર્થીનીઓના કપાળે ચાંદલો કરવો,બંગડી પહેરવી કે પછી હાથમાં મહેંદી મૂકવા જેવા વિષયોમાં ભરૂચની ખ્રિસ્તી મિશનરી શાળાઓ વિવાદમાં ઘેરાયેલી રહે છે.આ વખતે સરકારના નિયમોને ઘોળીને પી જવાના મામલે આ શાળાઓ વિવાદમાં ફસાય છે.ગરીબ વિદ્યાર્થીઓ ખાનગી શાળામાં સારું શિક્ષણ મેળવી શકે તે માટે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ સરકારે અમલમાં મૂક્યો છે.જેમાં કોઈ પણ શાળાએ પહેલા ધોરણમાં ૨૫ જેટલા વિદ્યાર્થીઓને વિનામૂલ્યે પ્રવેશ આપવાનો હોય છે.વિદ્યાર્થીઓની યાદી વાલીઓની સંભવિત પસંદગીના આધારે સરકાર દ્વારા નક્કી કરાતી હોય છે અને સરકાર દ્વારા જ વિદ્યાર્થીઓને જે તે શાળામાં પ્રવેશ ના હુકુમ કરતી હોય છે.જો કે પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓની ફી સરકાર સીધી શાળાને ચૂકવતી હોય છે.
ભરૂચના નજીક વગુસણા ગામના 15 જેટલા બાળકોને વડદલા ગામ પાસે આવેલ ક્વીન ઓફ એન્જલ સ્કૂલમાં પ્રવેશ આપવા માટે સરકારે હુકમો જાહેર કર્યા હતા પરંતુ શાળા સંચાલક મંડળે પ્રવેશ મેળવવા ગયેલ વાલીઓને વીલા મોઢે પાછા કાઢી પ્રવેશ આપ્યો ન હતો.વાલીઓએ આ અંગે સીધા જિલ્લા પ્રાથમિક શિક્ષણઅધિકારીને ફરિયાદ કરતા તેમણે શાળાને નોટિસ ફટકારી હતી.આમ છતાં પણ ક્વીન ઓફ એન્જલ સ્કૂલના સંચાલક મંડળે પોતાની લઘુમતી શાળા હોય અને તેમનું એસોસિએશન આ મુદ્દે કોર્ટમાં ગયું હોવાનો દાવો આગળ ધરી જિલ્લા પ્રાથમિક શિક્ષણઅધિકારીની નોટિસ ને પણ ઘોળીને પી ગયા હતા અને પ્રવેશ આપવાની ના પાડી હતી.જેને લઇ આખો મામલો ગાંધીનગર પહોંચ્યો છે.ઉલ્લેખનીય છે કે RTE હેઠળ બાળકોએ ૧૩મી મે સુધીમાં જે તે શાળામાં પ્રવેશ મેળવી લેવાનો છે.તેવામા ક્વીન ઓફ એન્જલ સ્કૂલએ સરકારના નીતિ નિયમોને નેવે મૂકી પ્રવેશ આપવાની ના પાડતા વગુસણા ગામના 15 બાળકોના વાલીઓ તેમના સંતાનના શૈક્ષણિક ભાભીને લઈને ફફડી રહ્યા છે.