દિનેશભાઇ અડવાણી
ભરૂચમાં નર્મદા નદીનો પ્રશ્ન દિવસે ને દિવસે વિકટ બની રહ્યો છે જેથી નર્મદા નદી રણ જેવી બની રહી છે તો બીજી બાજુ રેતી માફિયાઓ પણ સક્રિય બન્યા હોવાનું ચર્ચાય રહ્યું છે.ભરૂચમાં ઝાડેશ્વર સ્થિત મનન આશ્રમના નર્મદા ઘાટ પાસે બેટમાં ઉભા કરાયેલ ફાર્મહાઉસમાં જવા માટે સુરતના ડાયમંડ કિંગ સવજીભાઈ ધોળકિયાએ નિયમોની અવગણના કરી રસ્તો બનાવવાનો વિવાદ હજી પૂર્ણ રીતે સમ્યો નથી ત્યાં તો રેતી માફિયાઓએ કડોદ અને શુકલતીર્થ પંથકમાં રેતી માટે બનાવેલ પાળાઓનો વિવાદ સપાટી પર આવ્યો છે.
શુકલતીર્થ પંથકમાંથી નર્મદા નદીમાંથી મોટાપાયે રેતી ખનન થઇ રહી છે.જે કાયદેસર છે કે નહિ તે તપાસનો વિષય છે પરંતુ રેતી વહન કરવા માટે નર્મદા નદીના પટમાં નિયમોને નેવે મૂકી નર્મદાના પ્રવાહને અવરોધતા માટીના પાળા બનાવાયા હોવાની ફરિયાદ ઉઠવા પામી છે.રોજની આશરે ૫૦૦ જેટલી ટ્રકો રેતી ભરીને દોડી રહી હોવાથી શુકલતીર્થ ગામ ધૂળિયું બની જવા પામ્યું છે.રસ્તાઓ તૂટી ગયા છે.બેફામ રીતે રેતી ભરેલી ટ્રકો રસ્તા પર દોડતી હોવાથી ગામજનોમાં ભય સાથે આક્રોશ જોવા મળી રહ્યો છે.આ અંગે ગામજનોએ જિલ્લા કલેક્ટર અને ખાણ-ખનીજ વિભાગને પણ રજુઆત કરી હોવા છતાં કોઈપણ જાતની કાર્યવાહી કરવામાં આવી ન હતી.તત્રંને એહવાલી જાણ થતા તત્રં દોડતું થયું હતું અને ભુસ્તર વિભાગની ટીમોએ શુક્લતીર્થ પાસે નર્મદા નદીમાં પાળા બનાવાયાં હોવાની ફરિયાદના આધારે ચેકિંગ હાથ ધર્યું હતું.જિલ્લા ભુસ્તરશાસ્ત્રી કેયુર રાજપરાએ જણાવ્યું હતું કે, ફરિયાદોને લઇને સર્વેયરની તેમજ માઇન સુપરવાઇઝરની ટીમને શુક્લતીર્થ ખાતે રવાના કરી હતી. ટીમે સ્થળ તપાસ કરતાં ત્રણ પાળા બનાવાયાનું જણાયું હતું. જેના પગલે ટીમે જીપીએસ પોઇન્ટ તેમજ માઇનિંગ લીંઝના ડોક્યુમેન્ટ તપાસવામાં આવ્યાં હતાં. ઉપરાંત લીઝધારકો પાસેથી માઇનિંગ પ્લાન, એન્વાયરમેન્ટ ક્લિયરન્સ, પાળા બનાવવાની મંજૂરી, ગ્રામ પંચાયતની મંજૂરી, રેવન્યૂ વિભાગ સહિત પાળાની મંજૂરી આપનાર વિભાગની મંજૂરી સહિતના દસ્તાવેજોની માંગણી કરી છે. જો તેઓ દ્વારા તે રજૂ નહીં કરાય તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.