દિનેશભાઇ અડવાણી
ભરૂચ તાલુકામાં આવેલા નિકોરા ગામમાં આવેલી સહકારી નિકોરા મંડળીમાં સરકાર માન્ય ખાતર પૂરું પાડતી જી.એસ.એફ.સી કંપનીની સરદાર બ્રાન્ડ ખાતરની થેલીઓમાં ઓછો પુરવઠો ભરવામાં આવતો હોવાની બૂમો ઉઠી છે.જેના પગલે જિલ્લા ખેતીવાડી નિયામક કૌશિક સોલંકી તથા તેમની ટિમ દ્વારા નિકોરા ખાતેની મંડળીમાં આકસ્મિક ચેકીંગ હાથ ધર્યું હતું.જેમાં પ્રાથમિક તબક્કે ખાતરની થેલીઓમાં ૩૦૦ થી ૩૫૦ ગ્રામ જેટલું ઓછું ખાતર ભરવામાં આવ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું.પ્રાથમિક તપાસના પગલે ખેતીવાડી નિયામક દ્વારા જિલ્લામાં આવેલ ૨૦૦ ટન જેટલા ખાતરના વેચાણ પર પ્રતિબંધ મૂકી વધુ તપાસ હાથ ધરી છે.વધુમાં ખેતીવાડી નિયામક દ્વારા જી.એસ.એફ.સી કંપની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.ઉપરાંત ખેતીવાડી વિભાગની ટીમે અન્ય મંડળીઓમાં પણ ચેકીંગ કરવાની કવાયત હાથ ધરી છે.