દિનેશભાઇ અડવાણી
ભરૂચ જિલ્લામાં બાળલગ્નો ઉપર તંત્રએ બાજ નજર રાખી છે. અને એ બાળ લગ્નોમાં સામેલ થનાર ફોટોગ્રાફર, રસોઇયા, મંડપવાળા, ગોર મહારાજ સહિત ભાગ લેનાર તમામ સામે કડકમાં કડક કાર્યવાહીની તંત્રએ ચીમકી ઉચ્ચારી છે. અખાત્રીજના દિવસે મોટી સંખ્યામાં લગ્નો થતા હોય છે. અને તેમાય ઠેર ઠેર સમુહ લગ્નો યોજાતા હોય છે. ત્યારે બાળલગ્ન પ્રતિબંધક અધિકારી કમ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી ભરૂચ દ્વારા સમગ્ર જિલ્લામાં બાજ નજર રાખવામાં આવી છે.
આ દિવસે જિલ્લામાં બાળ લગ્ન નહી યોજાય તે માટે વહીવટી તંત્ર અને જિલ્લા બાળલગ્ન પ્રતિબંધક અધિકારી કમ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે. બાળલગ્ન પ્રતિબંધક અધિકારી શ્રી એમ.વી.મુનિયાએ જણાવ્યુ હતુ કે, છોકરીના લગ્ન ૧૮ વર્ષ પહેલા અને છોકરાના લગ્ન ૨૧ વર્ષ પહેલા થાય તો તે સજાપાત્રગુનો બને છે. બાળલગ્ન ન થાય તે માટે તંત્ર હવે કડક બન્યુ છે. અને બાળ લગ્નમાં હાજરી આપનાર વિધિમાં ભાગ લેનાર, સંચાલન કરનાર, ગોર મહારાજ, રસોઇયા, મંડપવાળા, ફોટોગ્રાફર, બેન્ડબાજાવાળા, બાળલગ્ન કરાવનાર બાળકના માતા-પિતા તમામ સામે કડક કાર્યવાહી થશે.
આ અધિનિયમ હેઠળ બાળલગ્ન કરનાર અને કરાવનારને બે વર્ષની સખત કેદની સજા અને ૧ લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઇ છે. ત્યારે સમુહ લગ્નોના આયોજકોને પણ લગ્નગ્રંથીથી જોડાનાર યુગલોની જન્મતારીખના દાખલાની ખરાઇ કરી લેવા માટે તાકીદ કરવામાં આવી છે. અખાત્રીજના દિવસે થનાર લગ્નોમાં કોઇ બાળ લગ્નો ન યોજાય તે માટે તંત્રએ ખાનગી રાહે બાતમીઓ મેળવવાનું અને લગ્નો ઉપર બાજ નજર રાખવાનું આયોજન કરવામાં આવ્યુ છે.
બાળલગ્ન અટકાવવા માટેની જાણ કરવા માટે બાળલગ્ન પ્રતિબંધક અધિકારીની કચેરી ફોન નં-૦૨૬૪૨-૨૬૩૮૨૩, જીલ્લા બાળ સુરક્ષા અધિકારીની કચેરી- ફોન નં-૦૨૬૪૨-૨૫૦૩૧૫ તથા ચાઈલ્ડ લાઈન-૧૦૯૮ અને અભયમ મહિલા હેલ્પલાઈન નં-૧૮૧ તથા પોલિસ કન્ટ્રોલ નંબર-૧૦૦ પર જાણકારી આપી શકાશે.