દિનેશભાઇ અડવાણી
સમાજમાં કેટલીક વાર એવા કિસ્સાઓ બનતા હોય છે જે માનવીને વિચારવા મજબુર કરી દેતા હોય છે કે શું આપડા સમાજમાં આવા વિકૃત મગજ વાળા લોકો રહે છે અને એ પણ આપડી આજુબાજુ જ હોય છે ફરક માત્ર એટલો છે કે જ્યાં સુધી આવા વિકૃત મગજ વાળા કોઈ ગુનો ન કરે ત્યાં સુધી આપડે આવી વ્યક્તિઓને ઓળખી શકતા નથી પરંતુ કેટલાક કિસ્સાઓમાં ખુબ મોડું થઇ જતું હોય છે.આવોજ એક કિસ્સો ભરૂચ જિલ્લાના ઝઘડિયા ખાતે આજથી લગભગ ૨ વર્ષ પેહલા બન્યો હતો.
બનાવની વિગતો જોતા લગભગ ૨ વર્ષ પેહલા ભરૂચ જિલ્લાના ઝઘડિયા ખાતે જન્મથી મૂંગી અને બેહરી ૧૧ વર્ષીય બાળકી બપોરના સમયે જમ્યા પછી પોતાના ઘરેથી થોડે દૂર ખેતરના પગદંડી વાળા રસ્તે થઇ ઝાડી તરફ કુદરતી હાજતે ગયેલ હતી.તે દરમિયાન આ બનાવનો આરોપી અશોકભાઈ ભીખાભાઈ વસાવાએ આ મૂંગી તથા બેહરી બાળકીનો એકલતામાં લાભ ઉઠાવી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.લાંબા સમય સુધી બાળકી ઘરે ન આવતા બાળકીની માતા એજ ખેતરના રસ્તા તરફ શોધમાં નીકળી ગઈ હતી તે દરમિયાન આરોપી અશોક વસાવા સામેથી આવતો નજરે પડ્યો હતો અને એજ સમયે બાળકીના કપડાં તથા લેંઘી લોહી-લુહાણ હાલતમાં હતા અને બાળકી રડતી હતી તેથી બાળકીની માતાએ આરોપી અશોક વસાવાને પૂછ્યું કે તે મારી પુત્રી સાથે શું કર્યું ? આ સાંભળી આરોપી અશોક ત્યાંથી નાસી છૂટ્યો હતો.ત્યારબાદ બાળકીની માતાએ ઝઘડિયા પોલીસ મથક ખાતે આ બનાવની ફરિયાદ નોંધાવી હતી.પોલીસે આ બાબતની તાપસ કરી ભારતીય કાયદાની કલમ ૩૭૬(૨)(આઈ) અને પોક્સો કાયદાની કલમ ૪ અને ૬ મુજબના ગુનાની ચાર્જશીટ અદાલતમાં દાખલ કરી હતી.ત્યારબાદ આ કેસ ભરૂચ પોક્સો અદાલતમાં આવતા જિલ્લા સરકારી વકીલ તથા પબ્લિક પ્રોસિક્યુટર આર.જે.દેસાઈએ હાજર રહી કેસ ચલાવ્યો હતો .સરકારી વકીલ તથા પબ્લિક પ્રોસિક્યુટર આર.જે.દેસાઈની દલીલો સાંભળી ભરૂચના એડિશનલ સેશન્સ જજ(સ્પેશ્યલ પોક્સો જજ ) એસ.વી.વ્યાસે આરોપીને ફટકાર લગાવતા આરોપી પોતે ત્રણ સંતાનોનો પિતા હોવા છતાં એક ૧૧ વર્ષીય મૂંગી તથા બેહરી બાળા સાથે દુષ્કર્મ કરનાર આવા ક્રૂર અપરાધ અંગે સમાજમાં દાખલો બેસે તેવી મહત્તમ ભારતીય દંડ સંહિતાની કલમ ૩૭૬(૨)(આઈ) મુજબ મૃત્યપર્યંત આજીવન કેદ એટલે કે છેલ્લા શ્વાસ સુધીની આજીવન કેદની સજા આજે તારીખ ૨૫-૦૪-૧૯ ના રોજ ફરમાવી છે.