દિનેશભાઇ અડવાણી
લોકસભાની સામાન્ય ચૂંટણી – ૨૦૧૯ અંતર્ગત આજે ૨૩ મી એપ્રિલના રોજ ૨૨-ભરૂચ લોકસભા બેઠકની ચૂંટણી માટે શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન પ્રક્રિયાનો સવારે ૦૭:૦૦ કલાકે પ્રારંભ થયો હતો. મતદારો મતદાન મથકો ઉપર સવારથી જ મતદાન કરવા પરિવારના સભ્યો સાથે ઉમટી પડયા હતા.
ભરૂચના ૧૧૬ વર્ષના વયોવૃધ્ધ મહિલા લખમા બા એ ભરૂચ નગરપાલિકાના સંચાલિત સ્ટેશન રોડ મિશ્ર શાળા ખાતે પોતાના સહ પરિવાર સાથે મતદાન કરીને સૌને મતદાન કરવાનો સંદેશ આપ્યો હતો. આ ઉપરાંત જિલ્લા કલેક્ટરશ્રી રવિકુમાર અરોરાએ પોલીસ હેડકવાર્ટર મિશ્ર શાળા નં.૪૪ ખાતે મતદાન ર્ક્યું હતું. તેમની સાથે તેમના ધર્મપત્નિ પણ જોડાયા હતા. લોકશાહીના મહાપર્વની ઉજવણીમાં વિવિધ વિસ્તારોમાં યુવાનો, વૃધ્ધો સૌએ મતદાન કરી ગૌરવ અનુભવ્યું હતું. ભરૂચ જિલ્લા ઉદ્યોગકેન્દ્ર ખાતે શારીરિક અક્ષમ મતદારો(PWD) સંચાલિત મતદાન કેન્દ્રમાં ઉત્સાહભેર તેમની ફરજો બજાવી રહી હતી. તે જ રીતે ભરૂચ શહેરમાં ભોલાવ ૮ પ્રોગ્રેસીવ હાઇસ્કુલ ખાતે મહિલા સંચાલિત સખી મતદાનકેન્દ્રમાં પણ ઉત્સાહભેર થઇ રહેલી કામગીરી થતી જોવા મળી હતી.
૨૨-ભરૂચ લોકસભા મતદાર વિભાગમાં સમાવિષ્ટ વિધાનસભા મતદાર વિભાગ વાઇઝ બપોરના ૧ વાગ્યા સુધીમાં થયેલ મતદાનની વિગતો જોઇએ તો ૧૪૭-કરજણ ૪૭.૩૯%, ૧૪૯-ડેડીયાપાડા ૬૦.૩૨ %, ૧૫૦ – જંબુસર ૩૮.૮૧%, ૧૫૧-વાગરા ૪૮.૨૮%, ૧૫૨-ઝઘડીયા ૪૨.૦૦ , ૧૫૩-ભરૂચ ૪૪.૧૯%, ૧૫૪-અંકલેશ્વર ૩૫.૮૬% મળી કુલ-૪૪.૮૬% મતદાન નોંધાયું છે.