દિનેશભાઇ અડવાણી
ગેરવહીવટ અને તાનાશાહીને લઇ ભરૂચ હોમગાર્ડ યુનિટના અધિકારીઓ ચર્ચાની એરણે રહે છે. તાજેતરમાં હોમગાર્ડ અધિકારીઓની મનમાની અને બદલાની ભાવનાનો વધુ એક કિસ્સો બહાર આવતાં હોમગાર્ડ છાવણીમાં તેના ઘેરા પ્રત્યાઘાતો ઊભા થયા છે.
સરકારી,અર્ધસરકારી કે અન્ય વિભાગોમાંથી જે અધિકારી કે કર્મચારીઓ ચૂંટણીમાં ફરજ બજાવતા હોય તેમના માટે ચૂંટણીપંચ દ્વારા પોસ્ટલ બેલેટ મતદાન ચૂંટણી પહેલાં જ કરવામાં આવે છે.ચૂંટણીમાં જિલ્લામાં જેટલા હોમગાર્ડ છે તે તમામને ચૂંટણી દરમિયાન બંદોબસ્તમાં રાખવામાં આવે છે.પોલીસ વિભાગ દ્વારા તાજેતરમાં જ પોસ્ટલ બેલેટ મતદાન રાખવામાં આવ્યું હતું.જેમાં હોમગાર્ડના જવાનોએ પણ મતદાન કર્યું હતું.જોકે આ મતદાન દરમિયાન ભરૂચ અને આમોદ માંથી કેટલાક હોમગાર્ડના જવાનોને ઇરાદાપૂર્વક મતદાનથી દૂર રખાયા હોવાની ફરિયાદ ઉઠી છે.
ભરૂચ હોમગાર્ડ યુનિટમાં એક જવાને પોતાનું ચુંટણીકાર્ડ કચેરીમાં આપેલ હોવા છતાં તેને બદલાની ભાવનાથી પોસ્ટલ બેલેટ મતદાનથી દૂર રખાયો હોવાના અહેવાલો મળી રહ્યા છે.જ્યારે આમોદના ૩ થી ૪ હોમગાર્ડ જવાનો જંબુસર ખાતે મતદાન કરવા જતા તેમની સાથે અસભ્ય વર્તન સાથે અપમાન કરી આમોદના હોમગાર્ડ અધિકારીએ હડધૂત કરી પાછા કાઢી મૂકતા વિવાદ છેડાયો છે.
ગત ચૂંટણીમાં પણ આવા કિસ્સા બહાર આવ્યા હતા.
ગત ચૂંટણી દરમિયાન પણ આમોદના અધિકારી ચંદ્રકાંત પટેલે એક હોમગાર્ડ જવાનને પોસ્ટલ મતથી અળગો રાખ્યો હતો.જેનો વિવાદ ઉભો થતા આખરે ચંદ્રકાંત પટેલે ચૂંટણીના દિવસે આ હોમગાર્ડને તેની ફરજ પરથી આમોદ બોલાવી આમ નાગરિક તરીકે મતદાન કરાવ્યું હતું.
ચંદ્રકાંત પટેલના પત્ની રાજકીય આગેવાન
આમોદ હોમગાર્ડ યુનિટના અધિકારી ચંદ્રકાંત પટેલના પત્ની આમોદ નગરપાલિકામાં ચૂંટાયેલા રાજકીય આગેવાન છે. જે જોતા આચારસંહિતાના ભાગરૂપે ચંદ્રકાંત પટેલને ચૂંટણીની કામગીરીમાં જોડી શકાય નહીં તેવી માંગ ઉઠવા પામી છે.
ચંદ્રકાંત પટેલ ભાજપના પ્રચારમાં
આમોદ હોમગાર્ડમાં અધિકારી તરીકે હોવા છતાં ચંદ્રકાંત પટેલ અગાઉ ભાજપનો ખેસ પહેરી ભાજપના પ્રચારમાં જોડાયા હતા.હોમગાર્ડમાં હોવા છતાં ભાજપનો ખેસ પહેરી ઘેર-ઘેર સ્ટીકર લગાવી પ્રચાર કરવા જતાં તેઓ વિવાદની એરણે ચડ્યા હતા.