દિનેશભાઇ અડવાણી
ઉનાળાની કાળઝાળ ગરમીના દિવસોમાં ભરૂચ પંથકમાં ઠેર-ઠેર દેશી રેફિજિરેટરના હુલામણા નામે ઓળખાતા માટીના માટલાઓની ભારે માંગ ઉભી થઇ છે.ત્યારે ભરૂચ નગર કે જ્યાં માટલાનો એક ભવ્ય અને જાજરમાન ઇતિહાસ હતો તે હવે ભૂતકાળનો વિષય બની ગયો છે. હાલ ભરૂચ નગરમાં કે આસપાસના વિસ્તારોમાં વેચાણ અર્થે આવતા માટલાઓ સોંરાષ્ટ્ર અને અન્ય વિસ્તારો માંથી આવી રહ્યા છે.ચકલી સાથેના અને ચકલી વગરના માટલાઓ સામાન્ય રીતે રૂપિયા ૬૦ થી રૂપિયા ૩૦૦ ના ભાવે ભરૂચ પંથક માં વેચાય રહ્યા છે ત્યારે ભરૂચ નગરમાં માટલાના ઉદ્યોગની કેવી હાલત થઇ તે અંગેનો કરુણ ઇતિહાસ જોતા એક સમયે કુમ્ભારીયા ઢોળાવ તરીકે ઓળખાતા વિસ્તારમાં ભરૂચના કુંભારો રહેતા હતા અને અવનવા માટલાનું સર્જન કરતા હતા.દિવસે-દિવસે કુંભાર જાતિના લોકોને સરકારી -અર્ધ સરકારી અને અન્ય નોકરીઓ મળતા તેમણે માટલા બનાવવાનું બંધ કર્યું.છેલ્લા દિવસો કે જયારે ભરૂચ નગરમાં માટલા બનતા હતા તો તે વિસ્તાર હાજીખાના નજીકનો વિસ્તાર હતો પરંતુ હવે ત્યાં પણ માટલા બનાવવાનું બંધ થઇ ગયું હોવાનું જાણવા મળેલ છે.હાલ ગરમી દિવસે ને દિવસે વધતા માટલાની માંગ માં વધારો થયો છે.ઠેર-ઠેર માટલા વેંચતા વેપારીઓના તંબુ નજરે પડે છે.