ઓલપાડ
બારડોલીના સાગી લાકડા વિવાદાસ્પદ પ્રકરણનો રેલો સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ સુધી પહોંચતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. મામલામાં સુરત જિલ્લા ગ્રામ્ય પોલીસમાંથી સ્ટેટ મોનીટરીંગ સેલમાં ફરજ બજાવતા ગુલાબ ગોપાળના સંપર્કો હોવાની હકીકત સામે આવતા ગુલાબ સહિત પી.એસ.આઈ. આયુબ બલોચ અને કિરણસિંહ લક્ષ્મણ સાથેની રેડીંગ પાર્ટીને પરત સુરત ગ્રામ્ય હેડક્વાર્ટર ખાતે મોકલી આપવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.
બારડોલીમાં ગત 2જી સપ્ટેમ્બરના રોજ અગાસી માતા મંદિર પાસે સાગી લાકડા ભરેલો ટેમ્પો આંતરી 8 લાખ રૂપિયા માંગવાના મામલે બારડોલી ડી.વાય.એસ.પી. રૂપલ સોલંકી અને તેમની ટીમ તપાસ કરી રહી હતી. જેમાં પોલીસને મુખ્ય સૂત્રધાર ધર્મેશ મૈસૂરિયા, હે.કો. દિપક મ્હાલે અને ટેમ્પો ચાલકની સંડોવણી બહાર આવતા ત્રણેયની એક પછી એક ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડ દરમ્યાન પોલીસની ટીમને મળેલી મહત્વ પૂર્ણ કડી બાદ આ ટોળકી સાથે સ્ટેટ મોનીટરીંગ સેલમાં ફરજ બજાવતા ગુલાબ ગોપાળ પણ સતત સંપર્કમાં હોવાનું ખુલ્યું હતું. ગુલાબના સંપર્કો સામે આવતા જ તેના છાંટા સુરત જિલ્લામાંથી સ્ટેટ મોનીટરીંગ સેલમાં ગયેલા પી.એસ.આઈ. આયુબ બલોચ, હે.કો. કિરણસિંહ લક્ષ્મણ પર પણ ઉડયા છે. ગુલાબના આ આરોપીઓ સાથે સંપર્કમાં હોવાનું બહાર આવતા ત્રણેયને સ્ટેટ મોનીટરીંગ માંથી પરત સુરત જિલ્લા ગ્રામ્ય પોલીસ હેડક્વાર્ટરમાં મોકલી આપ્યા છે. આ ઘટનાને પગલે સમગ્ર જિલ્લા પોલીસમાં ખળભળાટ મચી ગયો છે. આરોપીઓ સાથે ઉચ્ચ એજન્સીમાં ફરજ બજાવતા જ પોલીસ કર્મીઓ જોડાયેલા હોવાની હકીકત સામે આવતા જ જિલ્લામાં એજન્સી દ્વારા કરવામાં આવેલ દારૂની રેડ અંગે પણ શંકા સેવાઇ રહી છે.
સાગી લાકડા પ્રકરણની અસર સ્ટેટ મોનીટરીંગ સેલના પી.એસ.આઈ. સહિત ત્રણ પોલીસકર્મીઓને જિલ્લા હેડક્વાર્ટર પરત મોકલ્યા
Advertisement