આસ્તિક પટેલ ઓલપાડ
બારડોલી તાલુકા ભાજપ મહામંત્રી પરિક્ષિત દેસાઇની ગાડીએ રવિવારે બારડોલીના તલાવડી પાસે આવેલા મેદાન નજીક એક આધેડને અડફેડે લઇને ઘાયલ કર્યા હતા.આ ગાડી કોણ ચલાવી રહ્યું હતું તેના વિશે માહિતી મળી નથી કારણ કે અકસ્માત કરીને ગાડી ચાલક ફરાર થઇ ગયો હતો.સૌથી રસપ્રદ વાત એ છે કે ગાડીમાંથી દારૂની બોટલ અને ગ્લાસ મળી આવ્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર બારડોલીની નજીક આવેલા તલાવડી મેદાન પાસે રાત્રીના 10 વાગ્યાના આસપાસ આ અકસ્માત થયો હતો.જે જીજે-19-એએ 1402 નંબરની એસ.યુ.વી એ રસ્તા પર ચાલી રહેલા એક આધેડ વયના વ્યક્તિને અડફેટે લીધો હતો.આધેડને લોહીલુહાણ હાલતમાં છોડીને પરિક્ષિત દેસાઇની ગાડીમાં બેસેલ વ્યક્તિ ગાડી છોડીને ભાગી છૂટ્યો હતો.જે સ્થળ પર ગાડી પડેલી હતી તે ગાડી પર મહામંત્રી બારડોલી તાલુકા ભાજપ એવું લખાણ હતું.ઘટનાસ્થળે પહોંચેલા લોકોએ જ્યારે કારની તપાસ કરી તો તેની અંદર દારૂની બોટલ અને ગ્લાસ મળી આવ્યા હતા.કારની ડેસબોર્ડમાંથી પણ વેટ 69 બ્રાન્ડની વ્હીસ્કીની બોટલ પણ મળી આવી હતી.ગાડીની અંદરથી પરિક્ષિત દેસાઇનું આઇકાર્ડ પણ મળી આવ્યું હતું.અકસ્માત સમયે ત્યાં હાજર લોકોએ જણાવ્યું હતું કે તલાવડી મેદાન પર અકસ્માત કરીને મીંઢોળા નદીના પુલ તરફ જે શખ્સ ભાગ્યો હતો તે બીજું કોઇ નહીં પરંતુ ખુદ બારડોલી ભાજપના મહામંત્રી પરિક્ષિત દેસાઇ જ હતા.કેટલાક લોકોએ પરિક્ષિત દેસાઇનો પીછો પણ કર્યો હતો.સ્થાનિકોએ કહ્યું કે પરિક્ષિત દેસાઇએ દારૂ પીને ગાડી હંકારી હતી અને આધેડને અડફેટે લીધો હતો.જો કે મોડી રાત સુધી આ મામલે પોલીસે કેસ દાખલ ન કરીને ભાજપના નેતાને બચાવવાનો ભરચક પ્રયાસ કર્યો હોય તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.