બનાસકાંઠામાં આવેલા યાત્રાધામ અંબાજીમાં અગાઉ વીઆઈપી દર્શન વીઆઈપી ગેટથી પ્રવેશ આપીને થતા હતા ત્યારે હવે આ વીઆઈપી દર્શન બંધ કરવામાં આવ્યા હોવાની વિગતો જાણવા મળી રહી છે. કોંગ્રેસ દ્વારા અગાઉ આક્ષેપ લગાવવામાં આવ્યો હતો કે, રૂ. 5000 આપી પાવતી ફળાવીને વીઆઈપી દર્શન કરાવવામાં આવે છે.
અંબાજી મંદિરમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે આવે છે. લાંબી લાઈનો માતાજીના દર્શન માટે શ્રદ્ધાળુઓની જોવા મળે છે. ત્યારે હવે ગર્ભગૃહમાં વીઆઈપી દર્શન બંધ કરી દેવામાં આવ્યા છે. દાનરુપે પાવતી લઈને થતા આ દર્શન બંધ કરાયા છે. રુપિયા 5,000 લઈને વીઆઈપી દર્શન કરાવવામાં આવે છે તેવો આક્ષેપ કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલ દ્વારા કરવામાં આવ્યો હતો.
અગાઉ કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલ અંબાજી દર્શન માટે આવ્યા હતા ત્યારે તેમને વીઆઈપી દર્શનને લઈને આક્ષેપ કર્યા હતા. ત્યાર બાદ અંબાજી મંદિરના વહીવટદારે આ વીઆઈપી દર્શન બંધ કર્યા છે. જોકે, છેલ્લા ત્રણ દિવસથી વાઆઈપી ગેટથી આ દર્શન બંધ છે. વર્ષોથી આ પરંપરા ચાલતી હતી હેમાંગ રાવલના આક્ષેપ બાદ વીઆઈપી ગેટથી દર્શન હાલ બંધ કરી દીધા હોવાનું જાણવા મળી રહ્યું છે. અગાઉ કોંગ્રેસ દ્વારા મોહનથાળની જગ્યાએ ચીકીના પ્રસાદ કે જે શ્રદ્ધાળુઓને અપાતો હતો તેને લઈને પણ અંબાજી મંદિરમાં વિરોધ કરવામાં આવ્યો હતો.