ડીસામાં લવ જેહાદની ઘટના બાદ આજે નિકળેલી રેલીમાં ટોળાને વિખેરવા માટે પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. વિવિધ સંગઠનો અને વેપારીઓએ બંધને સમર્થન આપ્યું હતું ત્યારે મોટી સંખ્યામાં લોકો જોડાઇ વિધર્મી સામે કાર્યવાહી કરવા માંગ કરી હતી.
ઘટના પગલે પોલીસે લોખંડી બંદોબસ્ત ગોઠવ્યો હતો. ડીસાના હીરાબજાર નજીક સૂત્રોચ્ચાર કરી રહેલા લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થતા પોલીસ દ્વારા ટોળાને વિખેરવા માટે લાઠીચાર્જ પણ કરવામાં આવ્યો હતો. ઘર્ષણમાં એક યુવકને માથાના ભાગે ગંભીર ઇજા પણ પહોંચી હતી. પોલીસે સૂત્રોચ્ચાર કરી રહેલા લોકોની અટકાયત કરી છે. ઘર્ષણના પગલે પોલીસે કડક કાર્યવાહી કરવાના આદેશ પણ આપ્યા છે. હીરા બજાર પાસે પોલીસ લાઠી ચાર્જમાં એક યુવકના માથાના ભાગે ઈજા પહોંચતા તેને ડીસા સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે.
તાજેતરમાં જ ડીસા જિલ્લાના માલગઢ ગામની અંદર ધર્માતરણનો મામલો સામે આવ્યો હતો. જેમાં પરીવાર પાછો સોંપવા માટે 25 લાખની માંગણી કરાતાં પરિવારના મોભીએ આપઘાતનો પ્રયત્ન કર્યો હતો. જેથી આ મામલે લોકો ઉગ્ર બન્યા હતા. જોકે પોલીસે કેટલા આરોપીઓની ધરપકડ પણ કરી હતી. ખાસ કરીને ધર્મ પરીવર્તન કરેલ પરીવાર મળી ના આવતા સમગ્ર જિલ્લામાં હિન્દુ સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે.