સમગ્ર ગુજરાતમાં ઓ.પી.એસ. એટલે કે, ઓલ્ડ પેન્શન સ્કીલ લાગુ કરવાની શિક્ષકો સહિત વિવિધ કર્મચારીઓની માંગ છે, જોકે હજુ સુધી આ માંગ સંતોષવામાં આવી નથી, ત્યારે આગામી દિવસોમાં વિવિધ કાર્યક્રમો યોજી તેમની માંગ સંતોષવા શિક્ષકો વિવિધ કાર્યક્રમો પણ આયોજિત કરી શકે છે. આ સાથે જ હાલમાં જ જ્ઞાન સહાયક ભરતીને લઇને પણ વિવિધ ચાલી રહ્યો છે, જેનો પણ અરવલ્લી જિલ્લા શૈક્ષિક મહાસંઘે રોષ વ્યક્ત કર્યો હતો.
ગાંધી જયંતિના અવસરે અરવલ્લી જિલ્લાના મોડાસા નજીક આવેલા મીની રાજઘાટ મહાદેવ ગ્રામ ખાતે રાષ્ટ્રીય સંયુક્ત મોરચો અને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ અરવલ્લી જિલ્લાએ જૂની પેન્શન યોજના અને અન્ય પડતર પ્રશ્નો માટે આંદોલનના શ્રીગણેશ કર્યા હતા. આ સમયે રાજઘાટ ખાતે ઉપસ્થિત સાબરકાંઠા પૂર્વ સાંસદ મહેન્દ્રસિંહ ચૌહાણ અને મહાનુભાવોએ પણ આંદોલન સફળ થાય એવી શુભેચ્છાઓ પાઠવી હતી.
પૂજ્ય બાપુની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી, સ્થાન પરની પવિત્ર માટીથી તિલક કરી “મેરી માટી મેરા ઓપીએસ” જેવા અનેક ભારે સુત્રોચ્ચાર સાથે માંગનો અવાજ બુલંદ બનાવ્યો હતો. આજથી શરૂ થતા આંદોલનમાં સૌ કર્મચારીઓએ સક્રિય બની, કટિબદ્ધ બની આંદોલનને વધુ વેગવાન બનાવવા માટે પ્રતિજ્ઞા પણ લીધી હતી. અરવલ્લી જિલ્લા અધ્યક્ષ મિનેષભાઈ પટેલે જણાવ્યું હતું કે અમારી માંગણીઓ ટૂંક સમયમાં સંતોષવામાં નહીં આવે તો રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત પ્રાંત દ્વારા આનાથી પણ વધુ આક્રમક આંદોલન જાહેર કરવામાં આવશે તો એમાં અરવલ્લી જિલ્લો પાછીપાની નહીં કરે અને મોટી સંખ્યામાં જોડાશે.