અરવલ્લી જિલ્લામાં પૌરાણિક વિરાસત સમી ઘણી વાવ આવેલી છે ક્યાંક જાળવણીના અભાવે આવી ઐતિહાસિક વિરાસત સમી વાવની દુર્દશા પણ જોવા મળે છે.
મોડાસા તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી જતાં રસ્તામાં આવતા ટીંટોઈ ગામે એક એક ત્રણ મજલાવાળી પૌરાણિક વાવ આવેલી છે જે વાવ આજે તેના અસ્તિત્વ માટે ઝઝુમી રહી છે. પૌરાણિક કાળમાં જ્યારે પીવાના પાણીની વ્યવસ્થા નહોતી ત્યારે આ પ્રકારની પગથિયાં ઉતરીને પાણી ભરી શકાય તેવી વાવ પગે ચાલીને જતા મુસાફરો માટે બનાવવામાં આવતી હતી પરંતુ સમય જતાં પાઇપ લાઇન મારફતે પાણી મળતું થઈ જતાં હવે આવી વાવોનો ઉપયોગ નામશેષ થઈ ગયો છે.
પરંતુ આજે પણ આવી ઐતિહાસિક ધરોહરને જાળવવી એ નાગરિકો, તંત્રની નૈતિક ફરજ બને છે ટીંટોઈ ગામે આવેલી વાવમાં લોકોએ કચરો નાખીને વાવની દૂર્દશા કરી દીધી હોવાનું સ્થાનિક નાગરિકોએ જણાવ્યું હતું. થોડા સમય પહેલા ટીમ અતુલ્ય વારસો નામની સંસ્થા દ્વારા પૌરાણિક વાવની સમીક્ષા બાબતે મુલાકાત કરવામાં આવી હતી. તો સ્થાનિક સત્તાવાળાઓએ આ વાવની સફાઈ કરાવી ઐતિહાસિક ધરોહરની જાળવણી કરવાની તાતી જરૂરિયાત ઊભી થઈ છે.