અરવલ્લી જિલ્લાના ભીલોડા-ઈડર હાઈવે પર વૃક્ષ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. ભીલોડા-ઈડર હાઈવે પર એકાએક સૂકું વૃક્ષ કાર પર ધરાશાઈ થયુ હતું. કારમાં સવાર કાર ચાલક અને અન્ય એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થઈ હતી. તેમને સારવાર અર્થે બિલોડા કોટેજ હોસ્પિટલમાં ખસેડાયા હતા. સ્ટેટ હાઈવે અને નેશનલ હાઈવે પરના સૂકા વૃક્ષોને કપાવીને અકસ્માત ટાળવાની જવાબદારી માર્ગ અને મકાન વિભાગની હોય છે જોકે સમયસર સૂકા વૃક્ષ દૂર ન કરાતા તંત્ર અકસ્માતને આમંત્રણ આપે છે. ત્યારે આવી ઘટના સર્જાતા આરએન્ડબી વિભાગની કામગીરી પર સવાલો ઊઠી રહ્યા છે.
અરવલ્લી જિલ્લાના ભીલોડા તાલુકાના લીલછા ગામે ઈડર રોડ પર આવેલ હાઇવે રોડની બાજુમાં અસંખ્ય વૃક્ષો સૂકા અને જોખમી છે. જેના કારણે મોટા મોટા અકસ્માતો થવાનો ભય રહે છે. ત્યારે આજે ભિલોડાથી ઈડર જવાના રોડ પર આવેલ લીલછા ગામ પાસે ઈડર તરફ એક કાર પસાર થતી હતી, તે સમયે એક સૂકું વૃક્ષ એકાએક ધરાશઇ થતા કાર વૃક્ષ નીચે દબાઈ હતી. કારમાં સવાર કાર ચાલક અને અન્ય એક ઇજાગ્રસ્ત થયા હતા. જેઓને સારવાર અર્થે ભિલોડા કોટેજ હોસ્પિટલમાં ખસેડાયા હતા.
માર્ગ અને મકાન વિભાગની બેદરકારીથી આવા અકસ્માતો બનતા હોય છે. હજુ પણ અસંખ્ય વૃક્ષો હાઈવે રોડ પર જોખમી રીતે ઉભા છે, જે દૂર કરવામાં નહીં આવે તો મોટી જાનહાની થવાની સંભાવના છે.