વિધાનસભાની ચૂંટણીઓ પૂર્ણ થઈ છે ત્યારે હવે લોકસભાની ચૂંટણી પહેલા સરકાર સામે ખેડૂતો પોતાની પડતર માંગણીઓ પૂર્ણ કરવા માટે મોરચો માંડ્યો છે. અરવલ્લી જિલ્લાના મોટી સંખ્યામાં ખેડૂતો પડતર માંગણીઓને લઇને દિલ્હી કૂચ કરી છે, જેમાં વીજળી, પોષણક્ષમ ભાવ સહિતના મુદ્દાઓને તેઓ રજૂ કરશે
છેલ્લા કેટલાય સમયથી ખેડૂતો પોતાની માંગણીઓને લઈ કોઈને કોઈ રીતે આંદોલન ચલાવી રહ્યાં છે. ત્યારે ભારતીય કિસાન સંઘ દ્વારા સમગ્ર ભારતના ખેડૂતોની આજે નવી દિલ્હી ખાતે કિસાન ગર્જના રેલી યોજાઈ છે. ત્યારે આ રેલીમાં ભાગ લેવા અરવલ્લી જિલ્લાના 250 કરતા પણ વધુ ખેડૂત, સંગઠનના હોદ્દેદારો સહિત 250 કરતા વધુની સંખ્યામાં દિલ્હી પહોંચ્યા હતા. આ અંગે અરવલ્લી જિલ્લા કિસાન સંઘના મંત્રીએ જણાવ્યુ હતું કે, હાલ ખેડૂતોને તેમની ઉપજના યોગ્ય ભાવ મળતા નથી અને ખેતી માટે વપરાતા જરૂરી પદાર્થો ખાતર, બિયારણ, રાસાયણિક દવાઓના દર પણ વધારે હતા અને તેમાં જીએસટી લાદવામાં આવ્યો હતો. જેથી ખેતી પરવડે એમ નથી. ત્યારે આ ભાવ વધારો ઓછો કરવા અને ખેડૂતોને લગતી માંગણીઓ બાબતે આજે નવી દિલ્હીમાં ખેડૂતો સરકારને રજુઆત કરશે.