ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં દારૂની રેલમછેલ અટકાવવા પોલીસતંત્રનો પનો ટૂંકો પડી રહ્યો છે. અરવલ્લી જીલ્લા પોલીસતંત્રએ રાજસ્થાન રાજ્યને અડીને આવેલ આંતરાજ્ય સરહદો પર નાકાબંધી કરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત તેમજ સીસીટીવી કેમેરા ગોઠવી દઈ સઘન ચેકીંગ અને સુરક્ષા ગોઠવી હોવા છતાં બુટલેગરો ચૂંટણીમાં દારૂની ખપતને પહોંચી વળવા એડીચોટીનું જોર લગાવી રહ્યા હોય તેમ સતત વિદેશી દારૂ ઘુસાડવા પ્રયત્નશીલ બન્યા છે શામળાજી પોલીસે રતનપુર ચેકપોસ્ટ નજીક પીકઅપ ડાલાના ગુપ્તખાનામાંથી 1.29 લાખના દારૂ સાથે વડોદરાના બે બુટલેગરોને દબોચી લીધા હતા.
શામળાજી પોલીસે અણસોલ ગામ નજીક વાહન ચેકીંગ હાથ ધરતાં રાજસ્થાન તરફથી પીકઅપ ડાલામાં વિદેશી દારૂની હેરાફેરી થતી હોવાની બાતમી મળતા પોલીસ સતર્ક બની બાતમી આધારીત પીકઅપ ડાલાને અટકાવી તલાસી લેતા પીકઅપ ડાલામાં બનાવેલ ગુપ્તખાનામાં વિદેશી દારૂની બોટલ નંગ-251 કીં.રૂ.139700/- નો જથ્થો જપ્ત કરી પીકઅપ ડાલા ચાલક સતપાલસીંગ ધ્યાનસિંગ સંધુ (રહે, વડોદરા, મૂળ રહે,પંજાબ) અને અજય ભુપેન્દ્રસિંહ સોલંકી (રહે,વડોદરા) ને દબોચી લઇ જેલના સળિયા પાછળ ધકેલી દઈ વિદેશી દારૂ, પીકઅપ ડાલું મળી રૂ.5.49 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી દારૂ ભરી આપનાર રાજસ્થાન ઉદેપુરના બુટલેગર અક્ષય અને વિદેશી દારૂ મંગાવનાર વડોદરા કરજણ પંથકના બુટલેગર હિતેશ ઉર્ફે સોમા પટેલ વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ શામળાજી પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.