અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકામાં આવેલા ઉભરાણ ગામે કાકાની દીકરીના બે એક દિવસ પછી યોજાનારા લગ્ન પ્રસંગે મંડપ બાંધવા આવેલા ગાબટ ગામના 2 યુવકોને વીજ કરંટ લાગતા ઘટના સ્થળે જ મોત થતા ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાઈ ગયો હતો.
ઉભરાણ ગામે આગામી બે દિવસમાં કાકાની દીકરીનું લગ્ન હોવાથી ગાબટ ગામના દેવીપૂજક સમાજના 34 વર્ષીય ભલાભાઈ દેવીપૂજક અને 24 વર્ષીય કિશન દેવીપૂજક મંડપ બાંધવા આવ્યા હતા. આ બંને યુવકો મંડપ બાંધવા લોખંડની પાઇપો ઉભી કરી રહ્યા હતા ત્યારે ઉપરથી પસાર થતા જીવંત વિજતારને પાઇપ અડકી જતાં બન્ને યુવકોને વીજ કરંટ લાગ્યો હતો, કરંટના કારણે બન્નેના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા.આ ઘટનામાં મૃત્યુ પામેલા ભલાભાઈના 5 સંતાનો અને કિશનભાઈના 2 સંતાનોના માથેથી પિતાની છત્ર છાયા દૂર થઈ જતા પરિવારજનો પણ મુશ્કેલીમાં આવી ગયા છે. બનાવ અંગે માલપુર પોલીસને જાણ કરાતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.