અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલી નર્મદા મેટલ ઇન્ડસ્ટ્રીઝમાંથી વડોદરા આર.આર.સેલ અને ભરૂચ એસઓજીએ સંયુક્ત ઓપરેશનમાં પરવાનગી કરતા વધુ જથ્થા સંગ્રહ રાખવામાં આવેલો કેમિકલનો જથ્થો ઝડપી પાડ્યો છે. 30 લાખના કેમિકલ, ટ્રક અને મોબાઇલ સહિતનો 35 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. અને 2 આરોપીની ધરપકડ કરી છે.જીઆઇડીસીમાં અસુરક્ષિત રીતે કેમિકલ રાખવામાં આવ્યું હતું. વડોદરા આર.આર.સેલ અને ભરૂચ એસઓજીને બાતમી મળી હતી કે, અંકલેશ્વરમાં રહેતા નિકુંજ પટેલ(34) અને અંકલેશ્વરની ખ્વાજા ચોકડી પાસે રહેતા સુનિલ બેચુરામ પ્રજાપતિએ અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલી નર્મદા મેટલ ઇન્ડસ્ટ્રીઝના ગોડાઉનમાં અત્યંત જ્વલનશીલ કેમિકલ્સ મિક્ષ સોલવન્ટનો જથ્થો વધુ માત્રામાં અસુરક્ષિત અને ભયજનક રીતે રાખેલો છે. જેને આધારે ગોડાઉનમાં રેડ કરતા 4.68 લાખની કિંમતના મિક્ષ સોલવન્ટ ભરેલા પતરાના 234 પતરાના બેરલ, 20.58 લાખની કિંમતના મિક્ષ સોલવન્ટ ભરેલા પ્લાસ્ટિકના 1029 બેરલ, 80 હજારની કિંમતના ટેમ્પામાં મિક્ષ સોલવન્ટ ભરેલા 40 બેરલ, 63 હજારની કિંમતના પતરાના 159 ખાલી બેરલ, ટ્રક અને મોબાઇલ સહિતનો 35 લાખનો જથ્થો ઝડપી પાડ્યો હતો.
અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલી નર્મદા મેટલ ઇન્ડસ્ટ્રીઝમાંથી કેમિકલનો જથ્થો ઝડપી પાડતી આર.આર.સેલ.
Advertisement