સુપ્રીમ કોર્ટ ના હુકમ મુજબ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ(STP) બનાવવાની સમય મર્યાદા ૨૨ ફેબ્રુઆરી ૨૦૨૦ હતી પરંતુ હજુ ટેન્ડર પ્રક્રિયા જ ચાલી રહી છે.
અંકલેશ્વર નગરસેવા સદનની શહેરના ગંદા પાણી વહન કરતી પાઈપ-લાઈનમાં પાણીની ટાંકી (પાંડોર દરગાહ નો ટેકરો) પાસે ભંગાણ સર્જાતા આ ગંદુ પાણી આસપાસ આવેલ ખેતરોમાં ભરાયું છે. આ ગંદા પાણીને આમલાખાડીમાં નાખતા પહેલા ત્યાં બનાવેલ ઓક્સીડેશન પોંડમાં લઈ જવામાં આવે છે જે દરમ્યાનની પાઈપ-લાઈનમાં અંદાજીત ૧૫ દિવસથી ભંગાણ સર્જાયેલ છે.
હાલ આ ગંદુ પાણી હાંસોટ રોડ પર આવેલ કડકિયા કોલેજ સુધી આવ્યું છે જે વ્રજ ભૂમિથી લઈ કડકિયા કોલેજ સુધી આ ગંદુ પાણી અંદાજીત ૫૦ વીંઘા ના વિસ્તારમાં ફેલાયેલ છે. તેમજ ખેતર સુધી જવાના માર્ગ પર પાણી વહી જતા માર્ગ બંધ થયા છે જેથી ખેડૂતો વધુ મુશ્કેલીઓ નો સામનો કરી રહ્યા છે.ખેડૂતો દ્વારા અનેક વખત મોખિક રજુઆતો કરવામાં આવી છે જેનું કોઈ નિરાકરણ આવ્યું નથી.
પ્રકૃતિ સુરક્ષા મંડળના સલીમભાઈ પટેલે આ બાબતે નગર સેવા સદનના CEO શ્રી પ્રશાંત પરીખ ને ટ્રીટમેન્ટ પ્લાન્ટ વિષે પૂછતા જણાવ્યું હતું કે “ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ની કામગીરી પાણી પુરવઠા દ્વારા થઇ રહી છે અને હાલ ટેન્ડર પ્રક્રિયા ચાલી રહી છે અને આ લીકેજ બાબતે મને ખબર નથી “
સુપ્રીમ કોર્ટના ૨૨.૦૨.૨૦૧૭ હુકમ મુજબ સેવાસદન દ્વારા ત્રણ વર્ષની સમય મર્યાદામાં સુએજ ટ્રીટમેન્ટ કાર્યરત કરવાનું હતું જેની હાલ ટેન્ડર પ્રક્રિયા ચાલી રહી છે. અને હુકમ મુજબ આ સમય મર્યાદા ૨૨.૦૨.૨૦૨૦ માં પૂર્ણ થાય છે જયારે સેવા સદનના અધિકારીના કેહવા મુજબ આ સમય મર્યાદા ૨૨.૦૨.૨૦૨૧ છે આમ સમય મર્યદા બાબતે અલગ અલગ મંતવ્ય છે.
સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાની જગ્યાએ હાલ તળાવ બનાવી ગંદા પાણીનો સંગ્રહ કરી ઓક્સીડેશન પ્રક્રિયા થઇ રહી છે પરંતુ પર્યાવરણ વાદીઓના કહેવા મુજબ આ યોગ્ય પદ્ધતિ નથી.
અંકલેશ્વર નગર સેવા સદનના ગંદા પાણીની વહન કરતી પાઈપ લાઈનમાં ભંગાણ સર્જાતા અનેક ખેતરોમાં પાણી ભરાયા.
Advertisement