બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વરના સજોદ સાર્વજનિક શાળાના આચાર્ય સામે પોતાની શાળાના ધોરણ ૧૦ માં અભ્યાસ કરતી ૧૫ વર્ષીય સગીરાએ આચાર્ય સામે શારીરિક અડપલાં કર્યા હોવાની ફરિયાદ કરતા ભારે ખળભળાટ મચ્યો છે, સજોદ સાર્વજનિક શાળાનાના આચાર્ય વીરેન ઘડિયાળી સામે અંકલેશ્વર રૂરલ પોલીસ મથક ખાતે વિધાર્થીનીના પરિવારજનો દ્વારા ફરિયાદ આપવામાં આવતા પોલીસે ગુનો નોંધી તેને ઝડપી પાડવાના ચક્રોગતિમાન કર્યા છે.
સજોદ સાર્વજનિક શાળાની 15 વર્ષીય બાળકી સાથે શારીરિક અડપલા કર્યા હોવાના આક્ષેપ થયા છે,જેમાં જણાવ્યા મુજબ હાલ દિવાળી વેકેશન ચાલી રહ્યું હોય તેમ છતાં આચાર્ય દ્વારા વિદ્યાર્થીનીને ગણિતના ડાયરા આપવા સ્કૂલમાં બોલાવી હતી જે બાદ વિદ્યાર્થીની સ્કૂલે જતા આચાર્ય ન મળતા તે પરત પોતાના ઘરે જઇ રહી હતી દરમિયાન આચાર્ય વીરેન પોતાની કાર સાથે વિદ્યાર્થીનીને રસ્તામાં મળ્યો હતો અને તેને કારમાં પટાવી ફોસલાવી કારમાં બેસાડી લઈ તને ગામના બસ સ્ટેન્ડ પર છોડી દઉં કહી લઇ ગયો હતો અને ગાનું પાટિયું આવતા વિદ્યાર્થીનીએ ગાડી ઉભી રાખવાનું કહેવા છતાં આરોપી વીરેન ઘડિયાળી તેની ગાડી હાંસોટ, ઓલપાડ રોડ પર લઈ ગયો હતો અને ગાડી રસ્તાની સાઈડ પર ઉભી રાખી વિદ્યાર્થીની સાથે બળજબરી પૂર્વક શારીરિક અડપલાં કરી જાતીય સતામણી કરી તેને કપડાં ઉતારવા જણાવતા વિદ્યાર્થીનિએ વિરોધ કરતા તેને પરત પોતાના ઘર નજીક મૂકી ગયો હતો અને ઘટના અંગે કોઈને જાણ કરીશ તો સ્કૂલમાંથી કાઢી મુકવાની ધમકી આપ્યા હોવાની ફરિયાદ નોંધાતા સમગ્ર મામલે ચકચાર મચ્યો છે.
હાલમાં સમગ્ર મામલા અંગે અંકલેશ્વર રૂરલ પોલીસે ભોગ બનનાર વિદ્યાર્થીનીના પરિવારની ફરિયાદના આધારે આરોપી વીરેન ઘડિયાળીની ધરપકડના ચક્રોગતિમાન કર્યા હોવાનું પ્રાથમિક વિગતોમાં સામે આવી રહ્યું છે,તો બીજી બાજુ શાળાના આચાર્ય દ્વારા જ આ પ્રકારના કૃત્યને અંજામ આપવામાં આવ્યો હોવાની વાત સામે આવ્યા બાદથી સમગ્ર મામલો લોકો વચ્ચે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.