અંકલેશ્વર શહેર હોય કે તાલુકા કે પછી જીઆઇડીસી પોલીસ મથકના સંકુલમાં અનેક ગુનામાં જપ્ત કરાયેલ વાહનો સહિતનો અન્ય મુદ્દામાલ ભંગારની હાલતમાં જોવા મળી રહ્યો છે. પરોક્ષ રીતે જોઈએ તો પોલીસ મથકના સંકુલમાં પડેલા આ વાહનો કે અન્ય મુદ્દામાલ જે તે પોલીસતંત્રની તપાસ સહિતની કામગીરીમાં વર્તાતી ઢીલાસ નીચાડી ખાય છે.
અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકમાં સવિશેષ વધુ વાહનો ધૂળ ખાતા કટાય રહ્યા છે. પોલીસ સ્ટેશનની ફરતે જયાં જુઓ ત્યાં ભંગાર ખાતા વાહનોનો ખડકલો જોવા મળે છે. આમ તો સમયાંતરે કોર્ટની પરવાનગીથી પોલીસતંત્ર ગુનાહિત પ્રવૃતિઓમાં જપ્ત કરાયેલ વાહન સહિતના મુદ્દામાલની હરાજી કરી તેનો નિકાલ કરી શકે છે. પરંતુ આવી તસ્દી લે કોણ ?
અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ તો આજકાલ રોડ સાઈડ કે પોલીસ મથકની આસપાસ ખુલ્લી જગ્યાઓમાં મુદ્દામાલનો ખડકલો કરી દે છે. પરંતુ એકપણ જવાબદાર અધિકારીએ આ ભંગાર થઈ રહેલા મુદ્દામાલની હરાજી કરી પોલીસ મથકની જગ્યાને મોકળાશવાળી બનાવવા તસ્દી લેતા નથી અને દિન પ્રતિદિન વધુને વધુ વાહનોનો ખડકલો થતો જોવા મળી રહ્યો છે.
જીલ્લા પોલીસ વડા આ અંગે કોઈ નકકર કાર્યવાહી કરે તે આવકારદાયી લેખાશે.
અંકલેશ્વરનાં વિવિધ પોલીસ મથકો ઉપર લાખો રૂ.નો મુદ્દામાલ પડયો પડયો ભંગાર થયેલો જોવા મળે છે જોકે પોલીસતંત્ર આ અંગે ઉદાસીન વલણ દાખવી બેસી રહ્યુ છે.
Advertisement