બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર જીઆઇડીસી ના પ્લોટ નંબર ૨૨૫ માં આવે લ બિલ્ડવેલ એન્જિનિયર્સ કે જે ગવર્મેન્ટ કન્ટ્રક્શનનું કામ કરે છે તે કંપનીમાં ગત તારીખ ૧૮/૦૬/૨૦૨૧ ના રોજ બે જેટલા અજાણ્યા ઈસમોએ રાત્રીના સમયે કંપનીમાં પ્રવેશ કરી ઓફીસના ડ્રોવરમાં મુકેલ ૫.૧૦ લાખની રોકડ રકમની ચોરી કરી પલાયન થઇ જતાં સમગ્ર મામલો જીઆઇડીસી પોલીસ મથકે પહોંચ્યો છે.
ગત તારીખ ૧૩/૦૬/૨૦૨૧ ના રોજ કંપનીના સંચાલક કેસૂરભાઈ પીઠીયા જેઓની ભરૂચ જિલ્લામાં વિવિધ જીઆઇડીસી ઓમાં તેમજ મધ્યપ્રદેશના વિવિધ તાલુકાઓમાં સાઇટો આવેલી હોય તેઓ ૧૩ તારીખે તેઓની ઓફીસ બંધ કરી મધ્યપ્રદેશ ગયા હતા જે બાદ ૨૨ તારીખે તેઓ પરત આવી તેઓની ઓફિસે પહોંચતા સમગ્ર મામલો સામે આવ્યો હતો જ્યાં ઓફિસના ડ્રોવરનો નકુચો તૂટેલો હોય અને તેમાંથી ૫.૧૦ લાખની રોકડ રકમ ચોરી થઇ હોય જે અંગે તેઓએ કંપનીમાં કામ કરતા સ્ટાફને પૂછ્યું હતું અને બાદમાં કંપનીના સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા.
કંપનીમાં લાગેલ કેમેરામાં ગત ૧૮ તારીખે ૨ જેટલા બુકાનીધારી ઇસમો કંપનીની બારીમાંથી ઓફીસમાં પ્રવેશ કરી ડ્રોવર તોડી તેમાંથી રોકડ રકમ ચોરી કરી ફરાર થયા હોવાનુ જણાયું હતું જે બાદ મામલે કેસૂરભાઈના પુત્ર જગદીશ પીઠીયા દ્વારા અંકલેશ્વર જીઆઇડીસી પોલીસને જાણ કરતા પોલીસે સીસીટીવી કૅમેરામાં ફૂટેજ મેળવી મામલા અંગેનો ગુનો દાખલ કરી અજાણ્યા તસ્કરોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.