વરસાદી માહોલના પગલે રસ્તાઓ પોચાં બનતા અનેક વાહનો ફસાઈ જવાની ઘટના બનતી હોય છે, એમાં પણ તંત્ર દ્વારા ગટર લાઈનોને લઇ શહેરમાં કરવામાં આવતું આડેધડ ખોદકામ અને ત્યાર બાદ તેનું વ્યવસ્થિત રીતે પુરાણ ન કરવાના કારણે પણ અનેક દુર્ઘટનાઓ બનતી હોય છે.
આજરોજ બપોરના સમયે અંકલેશ્વરની આદર્શ સ્કૂલ નજીક પણ આજ પ્રકારની એક ઘટના સામે આવી હતી જેમાં એક ટ્રક માટી બેસી જવાના કારણે ટ્રકની કેબીનના ભાગના ટાયરો માટીમાં ઉતરી જતા એક સમયે ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો.
રસ્તા વચ્ચે જ ટ્રક ફસાઈ જતા આસપાસના લોકોની મદદથી ટ્રકને ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવતા સ્થાનિક લોકોએ પણ હાશકારો અનુભવ્યો હતો, મહત્વની બાબત છે કે આ પ્રકારે ચોમાસાના સમયમાં આવા બનાવો અવારનવાર બનતા હોય છે, ત્યારે પાલિકાના અધિકારીઓએ પણ ગટર લાઈનના ખોદકામ સ્થળોની મુલાકાત લઈ કામગીરી બાદ વ્યવસ્થિત રીતે તેનું પુરાણ કરવામાં આવ્યું છે કે કેમ તેની નોંધ લેવી જરૂરી જણાય છે જેથી આ પ્રકારના બનાવો બનતા અટકાવી શકાય તેમ છે.