કોરોના મહામારીના અનલોક બાદ ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાના જાણે કે ધજાગરા ઉડી રહ્યા હોય તેમ એક બાદ એક હત્યા સહિતની ઘટનાઓએ પોલીસ વિભાગને દોડતું કરી મુક્યું છે, જિલ્લામાં જાણે કે પોલીસનો ખોફ જ ન રહ્યો હોય તેમ ગુનેગારો ગુનાની ઘટનાઓને અંજામ આપતા અચકાતા ન હોય તેમ ચકચારી ઘટનાઓ દીવસેને દિવસે સામે આવી રહી છે.
ભરૂચ જિલ્લા પોલીસ વિભાગ એક ઘટનાનું પગેરું શોધે ત્યાં તો બીજી ઘટના સામે આવી રહી હોય તે પ્રકારની સ્થિતિનું સર્જન છેલ્લા કેટલાય દીવસોથી સામે આવી રહ્યુ છે, જ્યાં હત્યા જેવા બનાવોનો ગ્રાફ છેલ્લા એક માસમાં ખુબ જ વધી ગયો હોય તેમ લાગી રહ્યું છે.
આજરોજ ખ્વાજા ચોકડી જી.આઈ.ડી.સી. ખાતેથી નજીવી બાબતથી રોષે ભરાઈને હત્યા કરવાની ઘટના સામે આવી હતી. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જી.આઈ.ડી.સી પાસે આવેલ ખ્વાજા ચોકડી ખાતે ચાંદની એન્જીન્યરિંગ કંપની આવેલ છે જેમાં કામ કરતા બે શખ્સો વચ્ચે કોઈ અગ્મય કારણોસર કામ કરવા બાબતે માથામણ થઇ હતી જેમાં આરોપી ભગવાનદાસ યાદવે મરનાર આનંદ નરસિંહ યાદવ ઉંમર 30 ને ઉશ્કેરાઈને ચુપ્પુ વડે હુમલો કર્યો હતો. જેમાં આનંદ યાદવને છાતિના ભાગમાં તિક્ષણ ઘા મારતા તેમનું ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યું હતું. બનાવ અંગે અંકલેશ્વર જી.આઈ.ડી.સી. પોલીસને જાણ થતા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આરોપી ભગવાનદાસ યાદવની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
રિધ્ધી પંચાલ, ભરૂચ