આજકાલ અંકલેશ્વર શહેરનો ભાજપનો એક ભૂતપૂર્વ નગરસેવક ચર્ચાના ચકડોળે છે. પશ્ચિમ બંગાળમાં ભાજપ સત્તા પ્રાપ્ત કરવામાં અસફળ રહ્યું તેથી મોદી-શાહ વિરોધીઓને જાણે બેસવાની ડાળ મળી ગઈ. કાગડાના માળામાં જઈને કોયલ ઈંડા મુકી આવે તેથી કંઈ ઈંડુ કાગડાનું ન થઈ જાય!!. મોદી વિરોધી લોબીને તો એક વધારાનું ઈંડુ મળ્યું, એટલું જ….
જેની પ્રેસનોટને પાક્ષિક અખબારમાં પણ સ્થાન ના મળે, તેવાને આજે દિવસભર છવાયેલો જોઈને દુઃખ થયું. માત્ર, મોદીનો વિરોધ કરો અને હાઈલાઈટ થાઓ, એ ન્યાયે ભૂતકાળમાં અનેકોએ ટીવી સ્ક્રીન ગજવી છે,પણ પછી શું ?…. પાણીનું નામ ભૂ….
એ મહાશયની થોડી ઓળખ મેળવી લઈએ. જાતે પણ મોદી, પણ ક્યાં રાજા ભોજને ક્યાં ગંગુ તેલી?? ધરપત વગરનો અને ઉતાવળિયો સ્વભાવ આમ વેપારીનો દીકરો પણ વાંકું પડે તો હાથમાં ચાવીનો ઝુમખો હોય તો તે’ય પેટમાં ઘોંચી દે!!.. એ વખતે વિચારે ના, કે હું તો શહેર ભાજપનો પ્રમુખ છું.!! ભાજપે તેને શહેર સંગઠનના મહત્વના હોદ્દા પર બેસાડ્યો હતો. પાછલું ભૂલીને!!….
જી હા. પાછલું એટલે, આ મહાશયે અંકલેશ્વર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં સભ્યપદ માટે પાર્ટીમાં બળવો કર્યો હતો.. છતાં, હશે….એમ સમજી ભાજપે સંગઠનની જવાબદારી બાદ પાંચ વર્ષ કોર્પોરેટર પણ બનાવ્યો. માજી શહેર પ્રમુખ એટલે નગરપાલિકામાં પણ ઉપપ્રમુખનો હોદ્દો આપ્યો અને અલાયદી ચેમ્બરની સવલત પણ તેણે ભોગવી છે.
મારું કોઈ સાંભળતું નથી એવી જે તે સમયે પણ તેની ફરિયાદ રહી છે. ( બેસૂરો સૂર નીકળે તો કોઈ કોરસમાં’ય ના સંઘરે )!!. આ ભાઈ એકલા પડતાં ગયા. સુર-તાલ, સોરી, પક્ષીય રાજકારણના પાયાના નિયમોનું સતત ઉલ્લંઘન થતું રહ્યું તેથી હાલની નગરપાલિકાની ચૂંટણીમાં તેમનું પત્તું કપાયું. ( કેશુબાપાની જેમ “મારો વાંક શું” ની પીપુડી તેણે પણ વગાડી હતી, પણ બાપાનું કંઈ ન ચાલ્યું હોય તો તું કોણ ભાઈ?? હેં…??)
આ કોરોનાકાળમાં, મોદી-શાહ ” દીદી ઓ દીદી ” કરતા રહ્યા અને પ્રજાને અગવડ ઊભી થઇ, સમય વેડફાયો, એવું સોશિયલ મીડિયામાં કહેવાનો આશય ભલે પ્રજા સ્થિતિને વર્ણવવાનો હશે, પરંતુ આ સમયે કોયલ થઈને કા- કા કરવું કે આકરા થવું અયોગ્ય જ ગણાય. ભલે તમે ટેમ્પો ભરીને સ્મશાનમાં લાકડાં દાન કર્યા હોય, પરંતુ તેથી કંઈ તમને સીધા તીર ટાંકવાની પરવાનગી નથી મળી જતી.
મહત્વના સ્થાનો ઉપર ભાજપ તરફથી દસ-પંદર વર્ષ વિતાવ્યા છતાં એક આગેવાન તરીકે પોતાને પ્રસ્થાપિત થવામાં પક્ષની મદદ કામ નહીં લાગે, જાતે જ આગળ આવવું પડશે, તેવી ક્ષતિયુક્ત વિચારસરણી ધરાવતા આ આગેવાનને ” બેસ્ટ ઓફ લક” બીજું શું ?? (શહેરમાં જ એક મહત્વના હોદ્દા પર બિરાજમાનને જોઈને બળવાની પ્રેરણા તો નહીં લીધી હોઈને કે પછી “આપ” ની તૈયારી…?? )