અંકલેશ્વર તાલુકાનાં સેંગપુર ગામના ખાડી ફળિયામાં રહેતા દીલીપ વસાવાએ ધૂળેટીના દિવસે ગામની પરણીતા સંગીતા વસાવાના શ્વાનને ધૂળેટીએ કલર લગાવ્યો હતો. જે બાદ સંગીતા વસાવાએ તેના પિયરથી તેના ભાઇઓ અને નવ લોકોને સેંગપુર ખાતે બોલાવ્યા હતા અને આઠેય આરોપીઓએ મહિલાના શ્વાનને કલર લગાવવા બાબતે યુવાનના સંબંધીઓ સાથે મારામારી કરી હતી જેમાં દિલિપ વસાવાને માથામાં લાકડું મારતાં તેને ઇજાઓ પહોંચતા સારવાર અર્થે વાલિયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું ટૂંકી સારવાર બાદ કરૂણ મોત નીપજયું હતુ.
બનાવ અંગે અંકલેશ્વર તાલુકા પોલીસે મહિલા સહિત નવ લોકો સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી અને ઇજાગ્રસ્ત મહિલા આરોપીને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. આ મામલામાં પોલીસે સાત આરોપીની ધરપકડ કરી છે જ્યારે મારમારીમાં સંડોવાયેલ અન્ય સાત લોકોની રાયોટિંગના ગુનામાં અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. આરોપીઓ પૈકી સર્જન ડાહ્યા વસાવાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેને પણ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો જોકે તે સારવાર દરમ્યાન ભરૂચ સિવિલ હોસ્પિટલમાંથી પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયો હતો જેને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો.