એક તરફ ભરૂચ જિલ્લામાં દારૂ જુગારની બંદી માટે જિલ્લા પોલીસ વડા તેમજ રેન્જ આઈ જી સૂચનો આપી સતત પોલીસને દરોડા પાડવા માટે કહી રહ્યા છે તો બીજી તરફ બે નંબરી તત્વો કેટલી હદે હજુ પણ બેફામ બન્યા છે તેનો જીવતો જાગતો પુરાવો અંકલેશ્વર ખાતેથી સામે આવ્યો છે, જ્યાં એક વાયરલ વીડિયો એ બિંદાસ બનેલા આંકડા જુગારના તત્વોએ પોલીસની કામગીરી ઉપર સવાલો ઉભા કર્યા છે.
એક વિસ્તારની ગલીમાં ચાલતા અડ્ડાના આ વાયરલ વીડિયોમાં એક મહિલા સામેથી આવી પૂછી રહી છે કે બોલો ક્યાં પર લખાવવું છે, કલ્યાણ વગેરે જેવા આંકડાના શબ્દો બિંદાસ ઉચ્ચારતી આ મહિલા પોતાના અડ્ડા તરફ એક વ્યક્તિને લઈ જાય છે જ્યાં અનેક લોકો બિંદાસ અંદાજમાં જુગારના આંકડા રમતા નજરે પડ્યા હતા, આંકડા લખાવવા માટે જાણે કે પોલીસના ભય વગર અડ્ડા પર પડાપડી થતી હોય તેમ આ વાયરલ વીડિયોમાં લોકો નજરે પડી રહ્યા છે.
હાલ આંકડાનાં અડ્ડાનો આ વાયરલ વીડિયો અંકલેશ્વરનાં સુરતી ભાગોળ વિસ્તારમાં આવેલ વાવ ખાતેનો હોવાનું સામે આવ્યું છે, ત્યારે સવાલ એ ઉભો થાય છે કે આટલી હદે બિંદાસ બનેલા બે નંબરી તત્વો પર આખરે કોના આશીર્વાદ હશે, કારણ કે એક બાજુ પોલીસ રોજબરોજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ આઈ.જી તેમજ એસ.પી ના માર્ગદર્શનથી દરોડા પાડવાની કામગીરી કરે છે તો બીજી તરફ આવા તત્વો હજુ પણ ખુલ્લેઆમ પોતાના અડ્ડાઓ ધમધમાવી રહ્યા છે તે બાબતો પણ લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બની છે.
એક લોકચર્ચા મુજબ વાત કરીએ તો પોલીસ વિભાગના કેટલાક કર્મીઓ જ્યાંથી મલાઈ મળતી હોય તેવા તત્વોને છોડી દેતા હોય છે અને જ્યાંથી માલ ન મળે તેવા તત્વોની સામે લાલ આંખ કરી અધિકારીઓ સને ગુડ બુકમાં સ્થાન લઇ સાથે સાથે પોતાના રોટલા શેકી લેતા હોય છે, ત્યારે અહીંયા સવાલ એ થાય કે જો જિલ્લામાં આજ પ્રકારે પોલીસ કામગીરી કરશે તો આગામી દિવસોમાં યુવા વર્ગ કંઈ દિશામાં ધકેલાઈ જશે તેવી બાબતો પણ વિચારવા સમાન બની છે, આશા રાખીયે આ અહેવાલ બાદ અંકલેશ્વરની જાગૃત પોલીસ આવા તત્વો સામે પણ લાલ આંખ કરી કાયદાકીય પાઠ ભણાવવા સફળ નીવડશે તે જ સમયની પણ માંગ છે.