અંકલેશ્વરનાં મુલ્લાવાડ સ્થિત ઘી અંકલેશ્વર તાલુકા કો.ઓ પરચેઝ એન્ડ સેલ યુનિયનના સભાખંડ ખાતે મર્હુમ અહેમદભાઈ પટેલની તસ્વીરનું અનાવરણ અને પવિત્ર રમઝાન માસ નિમિત્તે વિવિધ ચીજ વસ્તુઓનાં સ્ટોરનું ઉદઘાટન મર્હુમ અહેમદભાઈ પટેલનાં સુપુત્ર ફૈઝલભાઈ પટેલનાં વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વર તાલુકા કો.ઓ.પરચેઝ એન્ડ સેલ યુનિયન ખેડૂતો માટે કામ કરતી સંસ્થા છે. આ સંસ્થા ખેડૂતોને ખાતર, બિયારણ તેમજ દવા સહીતની ખેડૂતલક્ષી સાધનોનું વ્યાજબી ભાવે વેચાણ કરે છે. ખેડૂતોની સાથે સામાન્ય લોકોને સારી ગુણવતાસભર અને વ્યાજબી ભાવે વિવિધ ચીજ વસ્તુઓ મળી રહે તે માટેના સ્ટોર ઉભા કરી વેચાણ કરવામાં આવે છે. આ સંસ્થા દ્વારા દીવાળીના તહેવારમાં ફટાકડાનાં સ્ટોર પણ ચાલુ કરેલ હતો. આગામી પવિત્ર રમઝાન માસ આવી રહ્યો છે ત્યારે અંકલેશ્વર પરચેઝ એન્ડ સેલ યુનિયનના સંચાલકો દ્વારા રમઝાન માસને અનુલક્ષીને સારી ગુણવત્તા સભર અને વ્યાજબી ભાવે રમઝાન માસમાં ઉપયોગમાં લેવાતી વિવિધ ચીજવસ્તુઓનો સ્ટોર શરૂ કરવામાં આવ્યો છે. આ સ્ટોરનાં ઉદઘાટન અગાઉ પરચેઝ યુનિયનના સભાખંડ ખાતે પ્રસ્થાપિત મર્હુમ અહેમદભાઈ પટેલની તસવીરનું મર્હુમ અહેમદભાઈ પટેલનાં સુપુત્ર ફૈઝલભાઈ પટેલનાં હસ્તે અનાવરણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વિવિધ ચીજ વસ્તુઓના સ્ટોરનું ઉદઘાટન ફૈઝલભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું, જેમાં ફેઝલ પટેલે જણાવ્યું કે હું અને મારી સંસ્થા થકી જરૂરીયાત મંદ લોકો માટેના સેવાકીય કાર્યો ચાલુ રહેશે.
આ પ્રસંગે એ.પી.એમ.સી ના ચેરમેન કરસનભાઈ પટેલ, પરચેઝ યુનિયનના ચેરમેન બાબુભાઇ દેસાઈ, વાઇસ ચેરમેન ભરત પંડ્યા, આરીફ વજીફદાર, ગીરીશભાઈ પટેલ, નાઝુ ફડવાલા તેમજ ભરૂચ ડીસ્ટ્રીક બેન્કના કન્સલ્ટન્ટ રજનીકાંત રાવલ સંસ્થાનાં મેનેજર સબ્બીર પટેલ, ઇકબાલ ગોરી સહીતનાં સભાસદો તેમજ મંડળીના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.