બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર જી.આઇ.ડી.સી વિસ્તારમાં આવેલ ક્રોપ લાઈફ કેમિકલ કંપનીમાં મોડી રાત્રીના સમયે અચાનક ભીષણ આગ લાગવાની ઘટના સામે આવતા ભારે દોડધામ મચી હતી, જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ફાયર વિભાગની 5 થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ ઉપર તાત્કાલિક પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી.
કેમિકલ કંપનીમાં આગ લાગવાની ઘટનાના પગલે એક સમયે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, સાથે જ આગમાં કંપનીને લાખો રૂપિયાનું નુકશાન થયું હોવાનું જાણવા મળ્યું હતું, જોકે સમગ્ર દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઇ છે કે કેમ તે અંગે કંપની સત્તાધીશો અને પોલીસ વિભાગ તરફથી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું ન હતું, મહત્વનું છે કે અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં અવારનવાર કેમિકલ કંપનીઓમાં ભીષણ આગ લાગવાની ઘટનાઓ સામે આવતી હોય છે જે બાબત કામદારો માટે પણ કેટલીક ઘટનાઓ જોખમી સાબિત થતી હોય છે.
મહત્વનું છે કે આ પ્રકારની આગ લાગવાની ઘટનાઓમાં ફેકટરી ઇન્સ્પેક્ટર, જીપીસીબી સહિતના અધિકારીઓ ઊંડાણ પૂર્વકની તપાસ હાથ ધરે ને જો માનવસર્જિત બેદરકારીઓ સામે આવતી હોય તો કંપની સત્તાધીશો સામે પણ લાલ આંખ કરે તો જ અવારનવાર બનતા આ પ્રકારના બનાવો અંકુશમાં આવી શકે તેમ પર્યાવરણ પ્રેમી લોકોનું માનવું છે.