ભરૂચ જીલ્લાનાં વાલિયામાં ઔદ્યોગિક હેતુસર લીધેલ જમીનમાં ગેરકાયદેસર કબ્જો કરી ઝુંપડા બાંધી રહેતા આઠ શખ્સો વિરુદ્ધ વાલિયા પોલીસે ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ ગુનો દાખલ કર્યો.
આ બનાવની મળતી વિગતો અનુસાર રેન્જ આઈ.જી. વડોદરા હરિકૃષ્ણ પટેલ, ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા ગુજરાત સરકારના કાયદા મુજબ ગેરકાયદેસર ઇન્ડસ્ટ્રીયલ પ્લોટને કબ્જે કરી વસવાટ કરતાં શખ્સો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના કરી હતી. જેમાં ભરૂચના કલેકટરનાં અધ્યક્ષ સ્થાને મળેલી જીલ્લા લેન્ડ ગ્રેબિંગ સમિતિમાં થયેલ અરજી બાબતે ગુનો દાખલ કરવાનો હુકમ થતાં અંકલેશ્વર વિભાગનાં નાયબ પોલીસ અધિક્ષક ચિરાગ દેસાઇનાં માર્ગદર્શન હેઠળ ફરિયાદી સુરેશભાઇ ભૂરાલાલ પન્નાલાલ જૈન ઉં.વ.50, ધંધો-વેપાર, રહે.મકાન નં.4 મહાવીર રેસીડન્સી છરવાડા રોડ, જલારામ સોસાયટીની સામે વાપી જી. વલસાડનાએ ” મહાવીર એન્ટર પ્રાઈઝ ” નાં નામથી ઔદ્યોગિક હેતુસર વાલિયા સીલુડી ચોકડી ખાતે ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ નં. 7/1 વાળી જમીન ખરીદ કરેલ જે જમીન ઉપર ગેરકાયદેસર કબ્જો કરી ઝુંપડા બનાવી પ્લોટ ખાલી નહીં કરનાર આઠ શખ્સો (1) રામજી નાગજી ભરવાડ (2) હરજી નાગજી ભરવાડ (3) જગસી નાગજી ભરવાડ (4) ભિખા નાગજી ભરવાડ (5) ગાબા એંગાર ભરવાડ (6) વિલા વિહા ભરવાડ (7) સતા વિહા ભરવાડ (8) ઘેલા ડાબા બાહરવાદ સહિતનાં તમામ ફરિયાદી સુરેશભાઇનાં ઇન્ડસ્ટ્રીયલ પ્લોટમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી જમીન પચાવી પાડી હતી. આ તમામ આરોપીઓ વિરુદ્ધ વાલિયા પોલીસે ગુનો દાખલ કરી ગુજરાત સરકારનાં નવા કાયદા ” ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ ” અધિનિયમ 2020 હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી આગળ વધુ તપાસ હાથ ધરી છે.