ભરૂચ જીલ્લાનાં અંકલેશ્વર તાલુકાનાં અવાદર ગામે દીપડાએ આતંક મચાવતા વનવિભાગ દ્વારા દીપડાને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
ભરૂચનાં આસપાસનાં ગ્રામ્ય વિસ્તારોમાં અવારનવાર દીપડાનો સ્થાનિકોને ભય રહે છે. ભરૂચનાં વાલિયાનાં કરસડિયામાં ગઇકાલે દીપડો દેખાતા આજે અંકલેશ્વરનાં અવાદર ગામે દીપડો દેખાતા ગામ લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. અવાદર ગામમાં દીપડાએ બકરીનો શિકાર કરવા હુમલો કર્યો હતો જે હુમલો જોતાં આજુબાજુમાં ખેતરમાં કામ કરતાં લોકોએ બૂમો પાડતા દીપડાએ બકરીને છોડી હતી ત્યારબાદ દીપડો ભાગીને નાળામાં ધૂસી ગયો હતો. આથી ખેતરમાં કામ કરતાં મજૂરો દ્વારા નાળુ બંધ કરી વનવિભાગને જાણ કરવામાં આવી હતી. વનવિભાગ દ્વારા દીપડાને પકડી પાડવા માટે પાંજરું ગોઠવવામાં આવ્યું છે.
અવાદર ગામમાં દીપડો દેખાતા ગામનાં લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે તો બીજી તરફ વનવિભાગની ટીમે દીપડાને પકડવાની તજવીજ હાથ ધરી છે.