ભરૂચ જિલ્લાનાં અંકલેશ્વરનાં વાલિયા રોડ પર આવેલી ચંદ્રબાલા મોદી એકેડમીમાં વિદ્યાર્થીઓની ફી નાં મુદ્દે વાલીઓએ હોબાળો મચાવ્યો હતો.
આજે વિદ્યાર્થીઓની ઓનલાઈન પરીક્ષાઓ શરૂ થઈ હતી જેમાં ફી ન ભરનારા વિદ્યાર્થીઓને પરીક્ષાથી વંચિત રાખવામા આવતા આજે એન.એસ.યુ.આઇ. ના યોગી પટેલ સહિતનાં કાર્યકરો અને વાલીઓએ શાળાએ પહોંચી ફી મુદ્દે પ્રિન્સિપાલ સમક્ષ અનેક પ્રશ્નો કર્યા હતા.
આ શાળાનાં વિદ્યાર્થીઓ અને વાલીઓને શાળા સંચાલકો દ્વારા અત્યંત હેરાનગતિ કરવામાં આવે છે. અવારનવાર ટયુશન ફી માટે વાલીઓ હેરાનગતિ ભોગવે છે. તેમજ સરકાર દ્વારા જે કાયદો લાગુ કરવામાં આવ્યો છે કે ખાનગી શાળા સંચાલકોએ ટયુશન ફી માંથી 25 % ફી માં વાલીઓને રાહત આપવાની પરંતુ ચંદ્રબાલા મોદી એકેડમીનાં શાળા સંચાલકો વાલીઓ સાથે અત્યંત ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરે છે તેમજ જે વિદ્યાર્થીઓએ ફી ભરેલ ન હોય તેને યોજાયેલી ઓનલાઈન પરીક્ષાથી વંચિત રાખ્યા સહિતનાં મુદ્દે આજે વાલીઓ અને એન.એસ.યુ.આઇ. દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો. તેમજ જયાં સુધી શાળા સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓ વાલીઓનાં પ્રશ્નોનું નિરાકરણ ન થાય ત્યાં સુધી શાળા પર બેસી વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો જો આ શાળાનાં સંચાલકો કોઈ યોગ્ય સાથ સહકાર નહીં આપે તો એન.એસ.યુ.આઇ. દ્વારા શાળામાં તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.