=> કાર્ડિયોલોજી, જનરલ મેડિસિન, દાંતના રોગ અને જનરલ સર્જરીનો વિનામૂલ્યે લાભ અપાયો.
=> પુત્ર ફૈઝલ પટેલ પુત્રી મુમતાઝબેન સહિત રાજ્યના ઉચ્ચ નેતાઓ ઉપસ્થિત રહ્યા.
ભરૂચના પનોતા પુત્ર અને રાષ્ટ્રીય નેતા મર્હુમ અહેમદભાઇ પટેલના નિધનને ૪૦ દિવસ પૂર્ણ થતા તેમના ઘરે કુર્રાને ખ્વાની સહિત તેમના પ્રયત્નો થકી નિર્માણ પામેલ સરદાર પટેલ હોસ્પિટલ ખાતે તેમને શ્રદ્ધાંજલિના ભાગરૂપે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પનો પ્રારંભ સોમવારના રોજ કરવામાં આવ્યો હતો.
સરદાર પટેલ હોસ્પિટલ અને હાર્ટ ઇન્સ્ટિટયૂટ ઓફ કાર્ડીયોલોજી ખાતે જનરલ મેડિસિન, દાંતના રોગો અને જનરલ સર્જરીના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 4 જાન્યુઆરી થી 6 જાન્યુઆરી દરમિયાન યોજાનારા કેમ્પમાં સવારે 10 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીમાં ભરૂચ-અંકલેશ્વર ઉપરાંત સુરત અને વડોદરાના દર્દીઓએ પણ લાભ લીધો હતો કુલ 1152 દર્દીઓએ આ કેમ્પ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જેમાં અંકલેશ્વર અને હાંસોટ તાલુકાના 163, ભરૂચના 128, વાલિયાના 70 સહિત તમામ તાલુકાઓ અને વડોદરાના દર્દીઓ તેમજ સુરતના પણ દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો.
આ પ્રસંગે મર્હૂમ અહેમદભાઈ પટેલના પુત્ર ફૈઝલ પટેલ અને પુત્રી મુમતાઝબેન પણ ખાસ હાજર રહ્યા હતા. એમની સાથે ધારાસભ્ય પરેશ ધાનાણી, ગૌરવ પંડ્યા સહિત પ્રદેશ કોંગ્રેસના રાજેન્દ્રસિંહ રાણા, ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રવક્તા નાઝુ ફડવાલા સહિત હોસ્પિટલના ટ્રસ્ટીઓ જયેશ પટેલ તથા ચંદ્રેશભાઇ જોશી પણ હાજર રહ્યા હતા અને સવારે આ કેમ્પનો શુભારંભ કરાવ્યો હતો.
આ પ્રસંગે ફૈઝલ પટેલે જણાવ્યું હતું કે પિતાના નકશેકદમ પર અમે ચાલી રહ્યા છીએ અને આ કેમ્પનું આયોજન એના જ સંદર્ભમાં કરવામાં આવ્યું છે. આજે પિતાના અવસાનને ૪૦ દિવસ પૂર્ણ થયા છે ત્યારે ઘરે કુર્રાને ખ્વાની રાખી હતી અને ત્યારબાદ આ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, આગામી દિવસોમાં પણ આવી સેવાકીય પ્રવૃત્તિ ચાલુ રહેશે.
તેમના પુત્રી મુમતાઝબેને પણ જણાવ્યું હતું કે પિતાએ અમને પરોપકાર અને જરૂરિયાતમંદોની સેવાનો મંત્ર વારસામાં આપ્યો છે જેને માટે અમે લોકો સદાય આવી સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરતા જ રહીશું. કદી પણ કોઈ જરૂરિયાતમંદને તબીબી સહિત અન્ય જરૂર પડે તો અમારા દ્વાર ખુલ્લા છે.
ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા અને ધારાસભ્ય પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીના હસ્તે શરૂ થયેલી આ હોસ્પિટલ ફક્ત ભરૂચ જિલ્લાના જ નહીં પરંતુ આસપાસના તમામ જિલ્લાના લોકો માટે આશીર્વાદરૂપ હોસ્પિટલ છે જેનો પાયો જ અહેમદભાઇ પટેલના પ્રયત્નોથી નંખાયો હતો. આજે ભલે આપણી વચ્ચે નથી પરંતુ એમના કાર્યોની સુવાસ વહાવતી આ હોસ્પિટલ આપણી વચ્ચે છે. આગામી સમયમાં પણ એમના સંતાનો દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓ ચાલુ જ રહેશે એ લોકો માટે જરૂરિયાતમંદ લોકો માટે અત્યંત આશીર્વાદરૂપ બાબત છે. દિલથી આ સમયે હું તેમને શ્રદ્ધાંજલિ પાઠવું છું.
આ કેમ્પમાં હોસ્પિટલના ટ્રસ્ટીઓ ઉપરાંત પેરામેડિકલ સ્ટાફ સહિત તમામ તબીબોએ પણ રાઉન્ડ ધ ક્લોક સેવા આપી હતી અને દર્દીઓને યોગ્ય નિદાન સહિત સારવારની પણ સલાહ આપી હતી.