અંકલેશ્વર સહીત અન્ય તાલુકા પંચાયતનાં ભવ્ય મકાનો બન્યા છે પરંતુ તેમાં કામ કરતા કર્મચારીઓ બાબતેની માહિતી જે માહિતી અધિકાર અધિનિયમ હેઠળ મેળવાઇ છે તે ચોકાવનારી છે. અંકલેશ્વરમાં પણ કરોડો રૂપિયાનાં ખર્ચે ભવ્ય તાલુકા પંચાયતની બિલ્ડીંગ બની છે. અંદાજીત ૬૦ ગામોનાં હદવિસ્તર ધરાવતા આ તાલુકા માટે એ જરૂરી પણ હતું. મોટા ગામો અને નોટિફાઇડ હદ વિસ્તારને લગતા ગામો છે જેથી કામગીરી પણ અન્ય તાલુકાથી વધારે રહે છે.
અંકલેશ્વર તાલુકા પંચાયતના કામો વિશે પ્રજામાં અસંતોષ છે કારણ કે તેમની અરજીઓનો સમયસર નિકાલ થતો નથી. તેથી સામાજિક સંસ્થાના સલીમ પટેલ દ્વારા દ્વારા કર્મચારીઓ બાબતે માહિતી અધિકાર અધિનિયમ હેઠળ માંગેલ માહિતીનાં જવાબમાં કેટલીક ચોકાવનારી વિગતો બહાર આવી છે.
આ માહિતી પરથી કહી શકાય કે હાજર કર્મચારી તેના કામને ન્યાય આપી શકતો નથી કારણ કે મોટા ભાગનાં કર્મચારીઓ વધારાનો હવાલો સંભારે છે. ખુદ તાલુકા વિકાસ અધિકારીનાં જવાબદાર હોદ્દા સાથે પણ આવું જ છે. અહિયાં છેલ્લા પાંચ વર્ષમાં ૧૪ વખત ટી.ડી.ઓ. તાલુકા વિકાસ અધિકારીઓની બદલીઓ થઇ છે જેમાં અનેક વખત વધારાનો હવાલો સંભારતા ટી.ડી.ઓ. ચાર્જમાં રહ્યા છે. આમ જયારે તાલુકા મથકનાં મુખ્ય અધિકારી એવા ટી.ડી.ઓ. અધિકારીઓની જ વારંવાર બદલીઓ થતી હોય તો કામ કરતા કર્મચારીઓ અને ખુદ ટી.ડી.ઓ. નાં કામ પર તેની અસર પડતી જ હોય છે. કામો થતા નથી અથવા સમયસર થતા નથી. કર્મચારીઓ કામના બોજ નીચે છે જયારે પ્રજા કામ ના થવાથી પરેશાન છે.
આર.ટી.આઇ. ની અન્ય મળેલ માહિતી મુજબ અહિયાં સરકારી મેહકમ મુજબ ૨૫ કર્મચારીઓની જરૂર છે જ્યાં ફક્ત ૧૬ કર્મચારીઓની જગ્યા ભરાયેલ છે અને ૯ ખાલી જગ્યાઓ છે જેમાં મહત્વના હોદ્દા પણ શામિલ છે વધુમાં આજે પણ તાલુકા પંચાયતના ઈજનેર નિવૃત્ત થઈ રહ્યા છે અને નજીકના ભવિષ્યમાં પણ અનેક કર્મચારીઓ વય મર્યાદાનાં લઈને નિવૃત્ત થઈ રહ્યા છે અને તેમના સ્થળે નવા કોઈની નિમણુક થઈ નથી. જેની સીધી અસર અન્ય કર્મચારીઓનાં કામ પર પડશે અને ભોગવવાનું પ્રજાને આવશે. કેટલાક સમયે પ્રજા અને કર્મચારીઓ વચ્ચે ઘર્ષણ પેદા થાય છે અને વધુ કામના બહાના હેઠળ ઉડાઉ જવાબો આપવામાં આવે છે. તલાટીઓ બાબતે પણ આજ પરિસ્થિતિ છે જ્યાં વધારોનો હવાલો અપાય ત્યાં એક પણ કામ વ્યવસ્થિત થતું નથી.
આ બાબતે જવાબદાર અધિકારીએ જણાવ્યું હતું કે કર્મચારીઓની ઘટ હકીકત છે કારણ કે અંદાજીત વર્ષ ૨૦૦૨ થી ૨૦૧૦ સુધી ભરતી બંધ કરવામાં આવી હતી ૨૦૧૩ પછી ભરતીઓની પ્રક્રિયા ચાલે છે ભરતી થાય છે પરંતુ નિમણુક સમયે વાંધા આવતા અનેક વખત કાયદાકીય અવરોધ પેદા થાય છે જયારે સમયસર નિવૃત્તિઓ થતી રહે છે જેથી કર્ચારીઓની માંગ સામે કર્મચારીઓ ઓછા છે.