હાલમાં પ્રવર્તમાન કોવિડ-૧૯ ની પરિસ્થિતિમાં કોવિડ પોઝિટિવ દર્દીઓને તદ્દન નિઃશુલ્ક સારવાર પુરી પાડવામાં ભરૂચ જિલ્લાની સૌપ્રથમ કોવિડ હોસ્પિટલ શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ ખુબ જ મોટો ફાળો આપી રહી છે. આ ઉપરાંત કોવિડના દાખલ દર્દીઓમાં ૯૬% જેટલો મહત્તમ રિકવરી નો દર પ્રાપ્ત કરી હોસ્પિટલે ખુબજ મોટી સિદ્ધિ હાંસલ કરેલ છે. જે માટે કોવિડ માં સેવા આપનાર હોસ્પિટલ ના નર્સીંગ સ્ટાફ અને ડોક્ટર્સ નો અથાગ પરિશ્રમ અકલ્પનિય છે અને પ્રોત્સાહનીય છે. આ સમય દરમિયાન ઘણા દર્દીઓ કે જેઓ ઘણી બધી બીજી સ્વાસ્થ્ય સંબંધિત બીમારીઓથી પીડાતા હતા અને જેઓ માટે જયાબેન મોદી જ માત્ર સ્વાસ્થ્ય સેવાઓ પુરી પડતી હોસ્પિટલ હતી. તેઓ તરફ થી વારંવાર હોસ્પિટલ મેનેજમેન્ટ ને બીજી રેગ્યુલર સેવાઓ શરુ કરવા માટેની રજૂઆત આવતી હતી. આ બાબતોને ધ્યાનમાં રાખી હોસ્પિટલના ટ્રસ્ટી શ્રીઓ અને મેનેજમેન્ટ તરફથી કલેક્ટર શ્રીને રજૂઆત અને વિનંતી કરવામાં આવી હતી અને પરિણામરૂપે હોસ્પિટલને બધીજ રેગ્યુલર ઓ.પી.ડી, એડમિશન, ઓપરેશન અને ઇમર્જન્સી સેવાઓ શરુ કરવાની મંજૂરી મળેલ છે.
આ મંજૂરી મળતાજ હોસ્પિટલના તમામ કર્મચારીઓ અને તબીબો રાબેતા મુજબના કામમાં જોડાઈ ગયેલ છે. તકેદારીના ભાગરૂપે હોસ્પિટલમાં તમામ સાવચેતી અને પ્રોટોકોલ પ્રમાણે સાફ સફાઈ અને સ્ટરીલાઈઝેશનની પ્રક્રિયા દરદોજ વારંવાર કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે હજુ પણ કોવિડ ૧૯ સંપૂર્ણપણે નાબૂદ ન થયેલ હોઈ હોસ્પિટલ દ્વારા કોવિડ ૧૯ના દર્દીઓને અગવડ ના પડે તે હેતુથી સારવાર અર્થે ૫૦ અમાનત બેડ ની સુવિધા રાખવામાં આવેલ છે. હોસ્પિટલમાં કોવિડ અને રેગ્યુલર દર્દીઓ માટેનો પ્રવેશ, સારવાર, રહેવા, જમવા તથા વેઇટિંગ એરિયા તદ્દન અલગ રાખવામાં આવેલ છે. હોસ્પિટલના ફુલટાઇમ અને વિઝિટિંગ ડોક્ટર્સની ઓ.પી.ડી નો સમય 02646 -222220 / 224550 પર કોલ કરી જાણી શકાય છે. આ પ્રસંગે હોસ્પિટલના ટ્રસ્ટી શ્રીઓ અને મેનેજમેન્ટેએ ડેપ્યુટી સી.એમ શ્રી નીતિનભાઈ પટેલ, મિનિસ્ટર ઓફ સ્ટેટ શ્રી ઈશ્વરભાઈ પટેલ, ધારાસભ્ય શ્રી દુષ્યંતભાઇ પટેલ, પ્રભારી સચિવ શ્રીમતી શાહમીના હુસૈન, કલેક્ટર શ્રી ડૉ. મોડિયા અને ડી.ડી.ઓ શ્રી વી. અરવિંદનો આભાર વ્યક્ત કર્યો હતો.