પાનોલી જીઆઇડીસી માં આગના અકસ્માતમાં નષ્ટ થયેલ પાર્થ કેમિકલ ઇન્ડસ્ટ્રીઝમાં જોખમી રીતે બેરલનો સંગ્રહ થાય છે અને અકસ્માત થઈ શકે છે એવી માહિતી સ્થાનિક પ્રકૃતિ સુરક્ષા મંડળને જૂન મહિનાની 11 તારીખે મળી હતી અને પ્રકૃતિ સુરક્ષા મંડળની ટીમની સ્થળ તપાસમાં આ વાત સત્ય જણાતાં તેમણે આ બાબતની ફરિયાદ નાયબ કલેકટરને કરી હતી. તારીખ 12 જૂન 2020 ના રોજ મામલતદારએ તપાસ રિપોર્ટ તૈયાર કરી જીપીસીબી અને ઔદ્યોગિક સ્વાસ્થ્ય અને સલામતી વિભાગને મોકલી આપવામાં આવ્યો હતો જ્યાં તેમણે પાર્થ કેમિકલ દ્વારા સોલ્વન્ટના બેરલોનું જોખમી રીતે સંગ્રહ કરવાના તેમજ મંજુરી કરતા વધારે બેરલના સંગ્રહ કરવાનો ખુલાસો કર્યો હતો.જીપીસીબી એ પણ પોતાની તપાસમાં ઉપરોક્ત હકીકતો સાચી હોવાના તેમજ સોલ્વન્ટ પરિવહનના દસ્તાવેજોમાં પણ ખામી જણાઈ હતી જેનો વિગતે રિપોર્ટ તૈયાર કરી વડી કચેરીએ રિપોર્ટ મોકલી આપ્યો હતો અને વડી કચેરી દ્વારા તથ્યોના આધારે 17/07/20 ના રોજ ક્લોઝર નોટિસ આપી પ્રોડક્શન બંધ કરવાની અને 100000 રૂપિયા (એક લાખ રૂપિયા) ની બેંક ગેરન્ટી ભરવાની સૂચના આપી હતી.
તારીખ ૨૭/૦૭/૨૦ ના રોજ ફરીથી જીપીસીબીની ટીમે તપાસ કરી રીપોર્ટ મોકલ્યો હતો અને એ રીપોર્ટના આધારે તેમજ રૂપિયા 100000 (રૂપિયા એક લાખ ) ની બેંક ગેરેંટી ના આધારે તારીખ ૧૯/૦૯/૨૦ ના રોજ રિવોક (ફરી ચાલુ કરવાની ) મંજુરી મળી હતી અને ૫ દિવસ બાદ એટલેકે ૨૩/૦૯/૨૦ ના રોજ આગ લાગવાનો અકસ્માત બન્યો હતો આમ માત્ર ચાર દિવસમાં જ આ બનાવ બન્યો હતો.
ફરીયાદી પ્રકૃતિ સુરક્ષા મંડળના સલીમ પટેલે જણાવ્યું હતું કે “ અમોએ અગાઉથી આ બાબતે શંકા વ્યક્ત કરી હતી પરંતુ ત્રણ ત્રણ વિભાગની તપાસ અને કાર્યવાહી પછી પણ આ બનાવ બન્યો છે. અને ક્લોઝર રિવોકના ૪ દિવસ બાદ ફરીથી અકસ્માત સર્જાયો એ જોતા આપણું તંત્ર નબળું છે એમાં અનેક સુધારાની જરૂર છે. ચાલુ કરતા પહેલા થયેલ તપાસ શંકાના દાયરામાં છે અને ચાલુ કરવામાં ઉતાવળ થઈ હોય એવું અમોને લાગે છે.