અંકલેશ્વર એ એક એશિયાની સૌથી મોટી ઉદ્યોગનગરી તરીકે જાણીતી છે પરંતુ આજે પણ આજ ઉદ્યોગનગરી જેના પર ટકેલ છે તે મજુર વર્ગ વિકાસથી વંચિત હોય તેમ દેખાઈ રહ્યું છે. અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામના વિસ્તારો જેમાં શાંતિનગર ૧-૨, મીરાનગર, લક્ષ્મણનગર, યોગેશ્વર નગર એવા વિસ્તારો છે જ્યાં ઉદ્યોગ નગરીમાં કામ કરનાર અને પરપ્રાંતીય વિસ્તારમાંથી આવતો મજૂરવર્ગ રહે છે જેઓ આજે પણ જાણે વિકાસના નામે હાલાકી ભોગવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. આ વિસ્તારોમાં પરપ્રાંતીય અને મજૂરવર્ગ હોવાના કારણે જલ્દીથી નેતાઓની નજરે ચડતો નથી જેના લીધે નબળી નેતાગીરીના કારણે પ્રજા બદતર હાલતમાં જીવી રહી છે. આજે પણ સારંગપુર ગામના આ મજૂરવર્ગની વસ્તી આવશ્યક સુવિધાઓથી વંચિત રહી છે. આ વિસ્તારોમાં આજે પણ લોકો મીઠા પાણી માટે જીઆઇડીસીમાંથી પાણી ભરી લાવી પીવા માટે મજબૂર છે સાથે આ વસ્તીનો મોટો ભાગ પરપ્રાંતીય હોવાના કારણે જ ગટર, રોડ રસ્તા અને સ્વાસ્થ્યલક્ષી સેવા ઓમાં પાછળ રહી છે. સારંગપુર પંચાયત પણ જાણે લોકડાઉન થઈ હોય તેમ આ વિસ્તારોમાં ઉભરાતી ગટરો જે ધાર્મિક સ્થળ પાસે જ ખુલ્લામાં વહેતી કરવામાં આવે છે અને પંચાયત કે સ્થાનિક સભ્યના નજરોથી દુર હોય તેમ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. આવા વિસ્તારો ક્યારે નેતાઓની નજરે ચડશે અને ત્યાંની પ્રજાને ક્યારે વિકાસ જોવા મળશે તે જોવું રહ્યું.
ભરૂચ : વર્ષોથી વિકાસનાં નામે વંચિત સારંગપુર ગામનો પરપ્રાંતીય વિસ્તાર.
Advertisement