અંકલેશ્વરનાં હાંસોટ વિસ્તારનાં અંબોલી ગામ ખાતે લોકડાઉનનાં સમય દરમ્યાન તથા રાત્રિનાં સમયે સાદી માટીનું ગેરકાયદેસર રીતે ખોદકામ કરવામાં આવ્યું હતું અને છેલ્લા ધણા સમયથી આ કરોડો રૂપિયાનું સાદી માટી ખોદકામનુ કૌભાંડ ચાલી રહ્યું હતું. ત્યારે અંકલેશ્વરનાં એક જાગૃત નાગરિકે આ બાબતની જાણ ખાણ-ખનીજ વિભાગને કરી હતી અને એ પણ રાત્રિનાં સમયે કે જયારે માટી ખોદકામ ચાલી રહ્યું હતું. એક જાગૃત નાગરિકની જાણથી સફાળા જાગેલા ખાણ-ખનીજ વિભાગનાં અધિકારીએ પોતાની ટીમ સાથે આ માટી ખોદકામ સ્થળે તપાસ ચલાવી હતી અને કરોડો રૂપિયાનું માટી ખોદકામનાં બિન અધિકૃત રીતે કરાયેલા કાર્યનો પર્દાફાશ થયો છે અને આ માટી ખોદકામનાં સૂત્રધાર એવા રાજુ ભરવાડને ખાણ ખનીજ વિભાગ દ્વારા નોટિસ પાઠવવામાં આવી છે. રાજુ ભરવાડ કે જે આ ગેરકાયદેસર માટી ખોદકામ કરનાર ઈસમ છે અને ખાણ ખનીજ વિભાગ દ્વારા પાઠવવામાં આવેલી નોટિસમાંથી કરોડો રૂપિયાનું અને બિનઅધિકૃત રીતે આચરવામાં આવતું માટી ખોદકામનું મોટું કૌભાંડ બહાર આવ્યું છે. નોટિસમાં જણાવ્યાનુસાર ગુજરાત ખનીજ (ગેરધોરણ ખોદકામ, વહન અને સંગ્રહ નિવારણ) નિયમો 2017 નાં નિયમ 03 નો ભંગ કરવામાં આવેલ છે અને નિયમ 21 તથા 22 મુજબની જોગવાઈ મુજબ રજૂ ભરવાડ સામે કાર્યવાહી કરવાની થાય છે તથા 20-3-18 મુજબ સાદી માટી ખનીજના બિનઅધિકૃત ખોદકામને કારણે પ્રતિ મેટ્રિક તને રૂ.175/- લેખે વસૂલવામાં આવશે. રાજુ ભરવાડને ખાણ-ખનીજ વિભાગ દ્વારા પાઠવવામાં આવેલ નોટિસનાં અનુસાર રૂ.13,80,12,380 (તેર કરોડ એશી લાખ બાર હજાર ત્રણસો એશી ) જેવી રકમ રાજુ ભરવાડ પાસેથી વસૂલવામાં આવશે. આ ઉપરાંત ઠરાવ અને નિયમોસર મુજબ બિનઅધિકૃત રીતે સાદી માટી ખનિજનું ખોદકામ કરી પર્યાવરણને કરવામાં આવતા નુકસાનનું વળતર પણ વસૂલવામાં આવશે. જેની રકમ પણ લગભગ પાંચ કરોડથી વધુ નોટિસમાં જણાવવામાં આવેલ છે. ખાણ ખનીજ વિભાગે આ રકમ તેના એકાઉન્ટમાં જમા કરવાનું રાજુ ભરવાડને નોટિસમાં જણાવેલ છે. આ બાબતમાં રાજુ ભરવાડને ખાણ ખનીજ વિભાગનાં અધિકારી સમક્ષ 15 દિવસમાં ઉપસ્થિત થવા જણાવેલ છે. અંકલેશ્વરનાં હાંસોટ અંબોલી ગામ ખાતે ગેરકાયદેસર અને બિનઅધિકૃત રીતે કરવામાં આવી રહેલ સાદી માટી ખોદકામનું મોટું કૌભાંડ જો પ્રકાશમાં આવ્યું હોય તો ફકત એક જાગૃત અને જવાબદાર નાગરિકને કારણે જો આ જાગૃત નાગરિક આ સમસ્ત કૌભાંડની જાણ ખાણ ખનીજનાં વિભાગને ના કરી હોત તો આ ગેરકાયદેસર રીતે ચાલતું કરોડો રૂપિયાનું માટી ખોદકામ આજે પણ ચાલી રહ્યું હોત. પ્રશ્ન એ પણ ઊભો થાય છે કે ઘણા સમયથી ચાલતું આ ભ્રષ્ટાચારી રીતે અને બિનઅધિકૃત રીતે ચાલતું મોટું માટી ખોદકામનુ કામ ખાણ ખનીજ વિભાગનાં સ્ટાફ કે અધિકારીઓની નજરમાં કેમ નહીં આવ્યું હોય ? ભરૂચ જીલ્લામાં અનેક જગ્યાઓએ આ રીતનું ગેરકાયદેસર રીતે માટીનું બિનઅધિકૃત કામકાજ ચાલી રહ્યું હોય તેમાં નવાઈ નહીં. ગેરકાયદેસર અને બિનઅધિકૃત રીતે થતાં ખનીજ ખોદકામથી પર્યાવરણને પારાવાર નુકસાન પહોંચે છે જેનું પરિણામ તે વિસ્તારની પ્રજા તેમજ ખેડૂત ભોગવે છે. તેમાં છતાં સરકાર અને તેના સરકારી બાબુઓની આંખ ખુલતી નથી અથવા તો આંખ આડા કાન કરે છે. તેવી ચર્ચાઓ પણ પ્રજામાં ચાલી રહી છે.
અંકલેશ્વરનાં હાંસોટ વિસ્તારનાં અંબોલી ગામ ખાતે ખાણ ખનિજ વિભાગ દ્વારા કરોડો રૂપિયાનું સાદી માટી ખોદકામનું કૌભાંડ ઝડપાયું જવાબદાર કોણ ?
Advertisement