અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતનાં B પમ્પીંગ સ્ટેશન પાસે બનાવેલ પાળો તૂટવાથી અને C પમ્પીંગ સ્ટેશન પાસેથી પ્રદુષિત પાણી રોકવા બનાવેલ પાળા પરથી ઓવરફલો થઈ પ્રદુષિત પાણી છાપરા ખાડી અને અમરાવતી ખાડીમાં વહી રહ્યું છે. હાલ જયારે વરસાદી ઋતુની ધીમી શરૂઆત જ થઈ છે ત્યાં તો અંકલેશ્વર નોટીફાઈડ હદ વિસ્તારનું પ્રદુષિત પાણી પમ્પીંગ સ્ટેશનો પાસેથી જ ખુલ્લેઆમ ખાડીઓમાં વહી રહ્યું છે અને આ ખાડીઓનું પાણી નર્મદા નદી અને દરિયા સુધી જાય છે. જે નદી અને દરિયાને પણ પ્રદુષિત કરે છે. બે દિવસ પેહલા દરિયા કિનારે નર્મદા નદીનાં સંગમ સ્થાને હજારો માછલા મરણ પામ્યા હતા. તેમજ ગઈ કાલે અમરાવતી નદીમાં હજારો માછલા મરણ પામ્યાનાં સમાચારોની સાહી પણ સુકાઈ નથી અને આજે ફરી વખતે અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતોનું પ્રદુષિત પાણી ખાડીઓમાં જતું નજરે જણાય છે. “તંત્ર હમ નહી સુધરેગે” ની નીતિ અપનાવી રહયું છે. જીપીસીબીનાં અધિકારીઓ કે જેમણે આ પ્રદુષણને કન્ટ્રોલ કરવાની જવાબદારી છે તે આ ઘટનાનો લૂલો બચાવ કરી તારણ બતાવી રહ્યા હતા કે “આ તો પાણીમાં ડીઝોલ્વ ઓક્સીજનની અછત સર્જાતા જળચરનું મૃત્યુ થયું છે”. પ્રકૃતિ સુરક્ષા મંડળના સલીમ પટેલે જણાવ્યું હતું કે ”જયારે જીપીસીબી સખ્ત કાર્યવાહી કરવાની જગ્યાએ બચાવમાં આવતી હોય તો પ્રદુષણ કરનારાને મોકળું મેદાન મળે છે અને તેઓ નિર્ભયતાથી પ્રદુષિત પાણી વરસાદી પાણી સાથે છોડે છે. ઔદ્યોગિક એકમો પોતાના ખર્ચનો બચાવ કરવા પ્રદુષિત પાણી ટ્રીટમેન્ટ કર્યા વગર વરસાદી પાણીમાં છોડી દે છે અને આ કૃત્યુથી પાણીનું પ્રદુષણ વધે છે, જળચરનો નાશ થાય છે સાથે સાથે ભૂગર્ભ-જળ પણ ખરાબ થાય છે આજે અંકલેશ્વર ઓદ્યોગિક વસાહતની આસપાસનાં બોરોમાંથી કલર યુક્ત અને વાસ આવતું પાણી આવી રહ્યું છે.આનાથી માનવ સ્વાસ્થ્યને મોટું નુકસાન થઈ રહ્યું છે.
અમરાવતી ખાડીમાં પ્રદુષિત પાણીથી હજારો માછલીઓનાં મરણ પછી પણ અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતનું “ હમ નહી સુધરેગેની નીતિ” આજે પણ આસપાસની ખાડીઓમાં પ્રદુષિત પાણી ઠલવાઈ રહ્યું છે.
Advertisement