અંકલેશ્વર તાલુકાનાં પીરામણ ગામ પાસેથી પસાર થતી આમલાખાડી તેમજ અંકલેશ્વર શહેર પાસેથી પસાર થતી અન્ય ખાડીઓ અને કુદરતી કાંસોની સફાઈ બાબતે કલેકટર સાહેબ ભરૂચનાં આદેશ હોવા છતાં હાલ સુધી પ્રી-મોન્સુન કામગીરી થયેલ નથી અને એક વખત વરસાદ પડ્યા પછી એ કામગીરી શક્ય નથી અથવા કરવામાં આવેલ કામગીરી નિરર્થક છે. ગત વર્ષે ચાર-પાંચ વખત ખાડીઓ ઓવર-ફલો થઈ હતી જેના લીધે પીરામણ ગામ, અંકલેશ્વર શહેર અને તાલુકામાં મોટી નુકશાની થઈ હતી. લોકોના ઘરોમાં પાણી આવ્યા હતા, રસ્તાઓ બંધ થવાથી પ્રજાને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો તેમ છતાં તંત્રએ બોધપાઠ લીધો હોય એમ જણાતું નથી. હાલ આ વર્ષે પણ કોઇપણ તકેદારીના પગલા કે પ્રી-મોન્સુન કામગીરી પણ ના થતા સ્થાનિકો દ્વારા આવનારા ચોમાસાં માટે ચિંતા અને ચેતવણી વ્યક્ત કરતો આવેદન કલેકટર સાહેબ ભરૂચને આપ્યો છે, તેમજ મુખ્ય સચિવ ગાંધીનગરને પણ ઇમેલથી ફરિયાદ કરાઈ છે. દર વર્ષની જેમ આ વખતે પણ નિવાસી કલેકટર સાહેબ ભરૂચ તરફથી તા.૧૩-૦૫-૨૦ ના રોજ લેખિત આદેશ મુજબ આમલાખાડીની પ્રી-મોન્સુન કામગીરી કરવાની જવાબદારી વર્ષોની પ્રણાલી મુજબ મુખ્ય અધિકારી, નિર્દિષ્ટ વિસ્તાર, જી.આઈ.ડી.સી અંકલેશ્વરને આપ્યો હતો જેના લેખિત જવાબ નિર્દિષ્ટ અધિકારી સાહેબે તા.૧૬/૦૫/૨૦ રોજ આપ્યો હતો અને જવાબમાં જણાવ્યું કે “સાફ સફાઈની કોઈ જરૂરિયાત જણાતી નથી”. જોકે ફરીથી ૨૭/૦૫/૨૦ ના રોજ મુખ્ય અધિકારી, નિર્દિષ્ટ વિસ્તાર, જી આઈ ડી સી અંકલેશ્વર તરફથી પ્રાંત અધિકારી સાહેબને પત્ર દ્વારા જાણકારી આપવામાં આવી કે આમલાખાડી (MS-૨૯ અને MS-૩૦) કાંસની પ્રી-મોન્સુન કામગીરી માટે અમે ઓનલાઈન પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ છે. જોકે અમો દ્વારા ઓનલાઈન ટેન્ડર જોતા એ ટેન્ડરમાં તો નિર્દિષ્ટ વિસ્તારની સફાઈ માટેનો જ ઉલ્લેખ છે. એમાં ક્યાં પણ “આમલાખાડી(MS-૨૯ અને MS-૩૦) કાંસની પ્રી-મોન્સુન કામ” દર્શાવેલ નથી. આમ નિર્દિષ્ટ વિસ્તાર વિભાગ દ્વારા આપેલ ઉપરોક્ત અલગ-અલગ જવાબો જ અનેક પ્રશ્નો ઉભા કરે છે. જેમ કે જો કરવું હતું તો અગાઉ પત્ર લખી ના કેમ કહ્યું? અને ના કહ્યા પછી ઓન-લાઈન ક્યારે અને કેમ થઇ ગયા? કામગીરી થશે ક્યારે? શું કેટલાક વિભાગો દ્વારા તંત્રને ગેરમાર્ગે દોરવામાં આવે છે ? કોઈ હોનારત સર્જાશે તો જવાબદારી કોણ સ્વીકારશે ? આ બાબતે નોટિફાઈડના ડ્રેનેજનાં કાર્યપાલક ઈજનેર શ્રી પ્રજાપતિ સાહેબે જણાવ્યું છે કે કામગીરી હાલ શરૂ કરી દેવામાં આવી છે અને નર્મદા નદી તરફ માટીએડ ગામ તરફ ખાડીમાં સફાઈ ચાલે છે. પીરામણ અંકલેશ્વર તરફ પણ કામગીરી કરવાની થાય છે તે પણ કરવામાં આવશે.” જોકે સ્થાનિકોનાં જણાવ્યા મુજબ ગત વર્ષ આમલાખાડી ચાર વખત ઓવર-ફલો થવાથી જે કચરો અને પ્લાસ્ટિક નાળાઓમાં જમા થયા હતા એ આજે પણ હયાત છે અને એ વરસાદી પાણીના વહનને અવરોધ કરશે.
જેથી ખાડીઓમાં ઓવર-ફલો થવાનો અમારો ડર અમે તંત્રને જણાવ્યું છે. પ્રી-મોન્સુન કામગીરીએ ચોમાસાં પહેલા કરવાની કામગીરી છે અને જયારે હાલ ચોમાસાંની ઋતુની શરૂઆત થઈ ચુકી છે. આ પહેલા પણ આ પ્રશ્ન બાબતે અનેક વખતે ઉચ્ચ સ્તરીય મીટીંગો થઈ ચુકી છે અને તેમાં આમલાખાડીને ઊંડી કરવાનું, પોહળી કરવાનું અને પાકી કરવાનું તેમજ તે માટે માપણી કરવાનું આયોજન કરવામાં આવેલ હતું પરંતુ આજ સુધી આ કાર્યવાહી થઈ નથી. વરસાદ પડે છે ખાડીઓ ઓવરફલો થાય છે ત્યારે જ તંત્ર નિંદ્રામાંથી જાગે છે. આ વર્ષોથી થતું આવ્યું છે પરંતુ અમે આ સમસ્યાનો કાયમી ઉકેલ આવે એવી માંગણી કરીએ છીએ અને હાલ આ કામગીરીમાં મોડું થયું છે ત્યારે આ કામગીરી પીરામણ ગામથી શરૂ થઈ નર્મદા નદી તરફ કરવું જોઈએ જેથી વરસાદ પડે તો પણ પીરામણ અંકલેશ્વરનાં રહેણાંક વિસ્તાર પાસેથી ખાડીમાં આવેલ અવરોધો દૂર થાય તો ઓવરફ્લો ઓછું થાય.
આમલાખાડી સહીત અંકલેશ્વરની આસપાસની અન્ય ખાડીઓમાં પ્રી- મોન્સુન કામગીરી કરાવવા માટેનો આદેશ હોવા છતાં પણ આ કાર્યવાહી ના થતા સ્થાનિકો દ્વારા કલેકટર સાહેબ ભરૂચને લેખિત આવેદન આપી ગાંધીનગર પણ ફરિયાદ કરવામાં આવી.
Advertisement