અંકલેશ્વર શહેર તેમજ તાલુકા કોંગ્રેસ દ્વારા રાજ્યસભા સાંસદ અહેમદ પટેલની સૂચનાથી સતત બીજા દિવસે પણ વતન જવા માટે ઇચ્છુક શ્રમિકોને રેલવેનું ભાડું ચૂકવવામાં આવ્યું હતું. અંકલેશ્વરના વતની અને રાજ્યસભા સાંસદ અહેમદ પટેલે કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીના સૂચન બાદ અંકલેશ્વર શહેર તાલુકા સહિત ભરૂચ જિલ્લા કોંગ્રેસને સૂચના આપી હતી અને અંકલેશ્વર શહેર તાલુકામાં વસતા જે પણ શ્રમિકો રેલવેનું ભાડું ખર્ચી શકે એમ નથી તેઓ પોતાના ઘરે જઈ શકે એ માટે રેલવેનું ભાડું ચૂકવવા માટેની પણ વ્યવસ્થા કરવા જણાવ્યું હતું. જે સંદર્ભે ગુરુવારે પણ ભરૂચથી બિહાર રવાના થનાર ટ્રેનમાં મુસાફરી કરનારા અંકલેશ્વર શહેર તાલુકાના શ્રમીકોને શહેર તેમજ તાલુકા કોંગ્રેસના આગેવાનોએ અને કાર્યકર્તાઓએ શોધી-શોધીને ઘરે જઈને તેમને રેલવે ભાડું ચૂકવ્યું હતું અને તેમને પરત ઘરે જવા માટે સહાય કરી હતી. નોંધનીય છે કે બુધવારે ઉત્તર પ્રદેશના ગોરખપુર ખાતે ટ્રેન રવાના થઈ હતી જેના સંદર્ભે પણ મંગળવારે રાત્રે અંકલેશ્વર શહેર તેમજ તાલુકા કોંગ્રેસના આગેવાનોએ શ્રમીકોને ઘરે જઈને રેલવેનું ભાડું ચૂકવ્યું હતું. આ સેવાકીય પ્રવૃત્તિમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રવક્તા નાઝુ ફડવાલા ઉપરાંત ભરૂચ જિલ્લા કોંગ્રેસ અગ્રણી નવલસિંહ જાડેજા, કાર્યકારી પ્રમુખ હેમેન્દ્ર ઉપાધ્યાય, કોંગી આગેવાન મગનભાઈ માસ્તર, પરપ્રાંતીય અગ્રણી રાજનારાયણ શુક્લા સહિત તાલુકા પંચાયત સભ્યો અને શહેર-તાલુકાના હોદ્દેદારો પણ જોડાયા હતા. જિલ્લા કોંગ્રેસ પ્રવક્તા નાઝુ ફડવાલાએ જણાવ્યું હતું કે કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ આ કપરી પરિસ્થિતિમાં પરપ્રાંતીય લોકોની ચિંતા કરી છે અને તેમની સૂચના બાદ જ રાજ્યસભા સાંસદ અહેમદ પટેલની સુચનાથી આ શ્રમિકો પોતાના વતન જઈ શકે એ માટે અમે જેઓ ભાડું ખર્ચી શકે તે માટે સક્ષમ નથી તેઓને માનવતાની દ્રષ્ટિએ ભાડું ચૂકવ્યું છે. આગામી દિવસોમાં પણ આ સેવાકીય પ્રવૃત્તિમાં કોંગ્રેસ સદાય અગ્રેસર રહેશે.પરપ્રાંતીય સમાજના આગેવાન રાજનારાયણ પણ જણાવ્યું હતું કે આજે ઉત્તર પ્રદેશ અને બિહાર સહિતના પૂર્વોત્તર રાજ્યોના શ્રમિકોની હાલત ભરૂચ જિલ્લામાં દયનીય બની ગઇ છે ત્યારે કોંગ્રેસ દ્વારા એમની મદદ માટે જે પગલું લેવામાં આવ્યું છે તે ખરેખર પ્રશંસનીય છે આ બદલ રાષ્ટ્રીય અધ્યક્ષા સોનિયા ગાંધી તેમજ રાજ્યસભા સાંસદ અહેમદ પટેલના પ્રયત્નોને ખરેખર બિરદાવવા લાયક ગણી શકાય.
અંકલેશ્વર શહેર તાલુકા કોંગ્રેસે સતત બીજા દિવસે પરપ્રાંતિયોને રેલવે ભાડું ચૂકવ્યું.
Advertisement