અંકલેશ્વર નગરપાલિકાનાં વેરા વસુલાત વિભાગમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાની અરજી પાલિકાના સત્તાધીશોના ટેબલો સુધી પહોંચી ચૂકી હોવા છતાં અરજીનો નિકાલ ન થતા અરજદાર મૂંઝવણમાં મુકાયો છે. તો સાથે જ અરજદારની બદલી કરી નાખવામાં આવતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. પ્રાપ્ત મળતી વિગતો મુજબ અંકલેશ્વર નગરપાલિકાના હાઉસિંગ વેરા વિભાગ (હાઉસ ટેક્સ વિભાગ) માં અધિકારીઓ દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યું હોવાના ગંભીર આક્ષેપ સાથેની અરજી પાલિકાના સત્તાધીશો સુધી પહોંચી ચૂકી છે. અરજીમાં જણાવ્યા મુજબ હાઉસિંગ વેરા વિભાગમાં ઉચ્ચ કક્ષાના અધિકારીઓ દ્વારા નગરપાલિકાના વેરાના રેકોર્ડમાં ચેડા કરી નગરપાલિકાને આર્થિક નુકસાન પહોંચાડવામાં આવી રહી છે. અરજદારે સીધા આક્ષેપ કરતાં જણાવ્યું છે કે કેટલાક મિલકતદારોના આખેઆખી એન્ટ્રી જ રેકોર્ડમાંથી ઉડી ગઈ છે. દસથી વધુ સરનામા અને વોર્ડ સાથે તેણે મિલકતદારોના નામ પણ જણાવી તપાસ કરવા માટે પંદર દિવસ અગાઉ અરજી આપી હતી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે આ અંગે નગરપાલિકા કારોબારી સમિતિના ચેરમેન ચેતનભાઇ ગોળવાળાએ અરજીમાં જણાવેલ એક મકાનની મુલાકાત લીધી હતી અને સમગ્ર મુદ્દે બેઠક પણ બોલાવી હતી. પરંતુ બેઠકમાં શું ચર્ચા થઈ? અને ત્યારબાદની ચૂપકીદી ઘણું બધું કહી જાય છે. તો પાલિકાના ચીફ ઓફિસર પ્રશાંત પરીખે સમગ્ર મુદ્દે નોટિસ ફટકારી જવાબ આપવા માટે ત્રણ દિવસની મુદત આપી હતી પરંતુ વિશ્વસનીય સૂત્રોના જણાવ્યાનુસાર આજ દિન સુધી જવાબ પહોંચ્યું નથી અને જવાબ માટે જગ્યા ખાલી રખાઇ હોવાનું પણ ચર્ચાસ્પદ બન્યું છે. ત્યારે હવે પાલિકા પ્રમુખ, જાત નિરીક્ષણ કરનાર નગરપાલિકા કારોબારી સમિતિના ચેરમેન, નગરપાલિકા ઉપપ્રમુખ, નોટિસ ફટકારી સંતોષ માનનાર ચીફ ઓફિસર આગામી દિવસોમાં અરજીનો નિકાલ લાવે છે કે કેમ? અને બદલીનો ભોગ બનનાર કર્મચારીને ન્યાય અપાવે છે કે કેમ? તે જોવું રહ્યું.
અંકલેશ્વર નગરપાલિકાનાં વેરા વસુલાત વિભાગમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાની અરજી પાલિકાના સત્તાધીશોને આપવા છતાં કોઈ કામગીરી નહીં થતાં અરજદારોમાં રોષ ઉઠવા પામ્યો છે.
Advertisement