આજરોજ વહેલી સવારે પીરામણ ગામ પાસેથી પસાર થતી આમલાખાડીમાં લાલ કલરનું પ્રદુષિત પાણી વહેતું જણાયું હતું અને આ વારંવારના આવા કૃત્યોથી સ્થાનિકોમાં રોષ ફેલાયો હતો. પર્યાવરણ વાદીઓ તરફથી આ બાબતની ફરિયાદ જીપીસીબી અને નોટિફાઇડના અધિકારીઓને કરવામાં આવી હતી. પ્રકૃતિ સુરક્ષા મંડળના સલીમ પટેલે જણાવ્યું હતું કે “પ્રદુષિત પાણીને રોકવા સરકારના પરિપત્રો, સુપ્રીમ કોર્ટના અનેક હુકમો, NGT કોર્ટના હુકમોનું અનાદર થઈ રહ્યું છે. આ વિસ્તારના ભૂગર્ભ જળ ખરાબ થયા છે અને પર્યાવરણને ગંભીર નુકશાન થઈ રહ્યું છે. આમલાખાડીમાં પ્રદુષિત પાણી આવવાના મુખ્ય બે સ્ત્રોતો છે (૧) અંકલેશ્વર જીઆઇડીસી હદ વિસ્તારમાંથી વાલિયા ચોકડી પાસેથી આવતું પ્રદુષિત પાણી (૨) નોબલ માર્કેટની પાછળથી પસાર થતી આમલાખાડીમાં ભંગાણના વ્યાપારીઓ દ્વારા પ્રદુષિત બેગોના ધોવાણ સાથે પ્રદુષિત રસાયણો ખાડીમાં ઠાલવવામાં આવે છે. જેથી ખાડીમાં પ્રદુષિત પાણી આવે છે. હાલ પણ આ પ્રદુષિત પાણી નોબલ માર્કેટની પાછળથી જ આવતું દેખાઈ રહ્યું છે અને આ હકીકત અમોએ જીપીસીબીના અધિકારીઓને જણાવી યોગ્ય કાર્યવાહી કરવા અને આ કૃત્યો પર અંકુશ લગાવવા જણાવ્યું છે.” નોટિફાઇડના અધિકારી શ્રી ચોહાણ સાહેબે જણાવ્યું હતું કે ફરિયાદ મળતા અમોએ તપાસ કરતા જાણવા મળ્યું છે હાલ નોટિફાઇડ વિસ્તારમાંથી પ્રદુષિત પાણી ખાડી તરફ જતું નથી અને ખાડીમાં પદુષિત પાણી અન્ય વિસ્તાર તરફથી આવતું જણાય છે.
અંકલેશ્વર : પીરામણ ગામ પાસે આમલાખાડીમાં લાલ કલરનું પ્રદુષિત પાણી વહેતું હોવાથી પર્યાવરણ વાદીઓ દ્વારા જીપીસીબીને ફરિયાદ કરવામાં આવી.
Advertisement