ભરૂચ જિલ્લામાં છેલ્લા 24 કલાકથી સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો છે, જિલ્લામાં ખાસ કરી વરસાદી આંકડાની વાત કરવામાં આવે તો આમોદમાં 10 મી.મી વરસાદ, અંકલેશ્વરમાં 4 ઇંચ વરસાદ, ઝઘડિયામાં 1 ઇંચ, નેત્રંગમાં 6 મી.મી, ભરૂચમાં 14 મી.મી, વાગરામાં 2 મી.મી, વાલિયામાં 4 મી.મી અને હાંસોટ માં 5 ઇંચ જેટલો વરસાદ નોંધાવવા પામ્યો હતો.
અંકલેશ્વરમાં ભારે વરસાદી માહોલના પગલે ઠેર ઠેર જળ બંબાકાળની સ્થિતિનું સર્જન થયું હતું, ખાસ કરી પીરામાણ ગામથી હાઇવેને જોડતા અંદર પાસમાં આમલા ખાડી ઓવરફ્લો થતા તેના પાણી રસ્તા ઉપર ફરી વળ્યા હતા, અંદાજીત રોડથી 3 થી 4 ફૂટ ઊંચે પાણી વહેતા થતા એક મહારાષ્ટ્ર પાર્સિંગની બસ પાણીમાં ફસાઈ હતી, જે બાદ ભારે દોડધામ મચી હતી.
આમલા ખાડીના વધેલા જળસ્તરમાં ફસાયેલ બસમાંથી 10 થી વધુ મુસાફરોને ટ્રેક્ટરની મદદ થકી સ્થાનિક નગર સેવક નિલેશભાઈ પટેલ દ્વારા રેસ્ક્યુ કરી સહી સલામત બાહર કાઢવામાં આવ્યા હતા, અચાનક સર્જાયેલ ઘટનાના પગલે સ્થળ ઉપર પણ લોક ટોળા જામી ગયા હતા.
મહત્વની બાબત છે કે અંકલેશ્વર પંથકમાં પીરામાણ નજીકથી વહેતી આમલા ખાડી દર ચોસાની સીઝનમાં ઓવરફ્લો થાય છે, તેમજ તેના પાણી રસ્તા ઉપર આવી જતા પીરામાણથી અંકલેશ્વર હાઇવે તરફ જવાનો માર્ગ બંધ કરવાની નોબત આવતી હોય છે, દર વર્ષે તંત્ર દ્વારા પ્રિમોન્સૂન કામગીરી હાથ ધરી લાખો રૂપિયાનો ધુમાડો કરવામાં આવે છે, પરંતુ સ્થિતિ જે સે થે જેવી જ જોવા મળે છે ત્યારે આ વર્ષે પણ આમલા ખાડીમાં યોગ્ય સાફ સફાઈ તંત્ર દ્વારા ન કરવામાં આવતા અને પાણીના નિકાલ માટેની યોગ્ય વ્યવસ્થા ન થતા આખરે ચોમાસાના પ્રથમ ચરણમાં જ ખાડી ઓવરફ્લો થઈ રહી છે અને લોકો હાલાકીઓનો સામનો કરવા મજબુર બન્યા છે.