અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર 48 પર આવેલી પરિવાર હોટલના કંપાઉન્ડમાંથી 28 હજાર લીટર કેમિકલ વેસ્ટ ભરેલાં ટેન્કરના પ્રકરણમાં નવો ખુલાસો થયો છે. કેમિકલ માફિયાઓએ કેશવ ઇન્ટરકેમ કંપનીમાંથી ટેન્કર ભર્યું હોવા છતાં પાનોલીની અમર કેમિકલના નામની ખોટી બિલ્ટી બનાવી પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો
કેમિકલ ભરેલા ટેન્કરના પ્રકરણની તપાસ પીએસઆઇ રાઠોડને સોંપવામાં આવી હતી. તેમણે ડ્રાઇવર ચંદ્રપ્રકાશ ચૌહાણની પૂછપરછ કરતાં પાનોલીની અમર કેમિકલની બિલ્ટી રજૂ કરી હતી. જે તપાસ કરતા બિલ્ટી નકલી હોવાનું સામે આવ્યું હતું. પણ પોલીસે કડકાઇથી પૂછપરછ કરતાં ટેન્કરના ડ્રાઇવરે વટાણા વેરી નાંખ્યાં હતાં.
તેણે આ ટેન્કર પાનોલીની કેશવ ઇન્ટરકેમ કંપનીમાંથી અમદાવાદના રવિન્દ્રસિંહ રાવતના કહેવાથી રાજીવ ક્રિશ્યનની સૂચનાથી કેમિકલ વેસ્ટ ભર્યો હતો અને અમર કેમિકલની બોગસ બિલ્ટી બનાવી હતી. પોલીસે અમદાવાદના બંને આરોપી સામે પણ ગુનો દાખલ કર્યો છે. આ ટોળકીએ અન્ય કેટલી કંપનીઓની બોગસ બિલ્ટી બનાવી કેમિકલનો જાહેરમાં નિકાલ કરાવ્યો છે સહીતની વિગતો મેળવવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે.
રાજયભરની કંપનીઓમાંથી બોગસ બિલ્ટીના આધારે કેમિકલ વેસ્ટનો નિકાલ કરાવવાનું નેટવર્ક રવિન્દ્ર રાવત ઉર્ફે મારવાડી ચલાવી રહયો હોવાનું પોલીસસુત્રોમાંથી જાણવા મળ્યું છે. તે વચેટિયા મારફતેકંપનીઓના સંપર્ક સાધી નકલી બિલ બનાવી તેના પર રાસાયણિક પાણી તેમજ વેસ્ટનો જાહેરમાં નિકાલ કરી રહ્યો છે.